વડોદરા, તા.૨૮

શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ શુભનક્ષત્રો કે યોગમાં કરેલા શુભકાર્યોનું અનેકગણું ફળ મળવા સાથે સુખ-શાંતિ, સમૃદ્ધિ સહિત ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. આજે ગુરુવારના રોજ ગુરુપુષ્યનક્ષત્રનો પાવન દિવસ હોવાથી સવારે ૯.૧૪ કલાકથી રાત્રિના ૯.૧પ કલાક સુધી અલગ અલગ શુભ ચોઘડિયા હોવાથી લોકોએ દિવસ દરમિયાન અંદાજે રૂા.૬૦ થી ૭૦ કરોડના સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી કરી હતી. આ ખરીદીને લઈને જ્વેલર્સના શો-રૂમોમાં લોકોની ભીડ જાેવા મળી હતી.

શો રૂમના સંચાલકોના જણાવ્યા મુજબ આજે સોનાનો રર કેરેટ એક તોલાનો ભાવ રૂા.૪૬,૧૯૦ રહ્યો હતો, જ્યારે ર૪ કેરેટ સોનાની ભાવ રૂા.૪૯,૯૦૦ રહ્યો હતો. ચાંદીનો એક કિલોનો ભાવ રૂા.૬૬,૫૦૦ રહ્યો હતો.

આજે ગુરુપુષ્યનક્ષત્રના દિવસે શહેરના નાના મોટા જ્વેલર્સ, શો-રૂમ ગ્રાહકોથી ભર્યોભર્યો દેખાયા હતા. કેટલાકે અગાઉથી બુક કરાવેલા તેમજ બનાવેલા ઘરેણાં લેવા માટે લોકોની ભીડ જાેવા મળી હતી. સોના અને ચાંદી લક્ષ્મીજી સ્વરૂપ ગણાતા હોવાથી શ્રદ્ધાળુ ગ્રાહકોએ ધૂમ ખરીદી કરી હતી.