ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે જેની ઠુમ્મરની નિમણુક

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રદેશ મહિલા પ્રમુખ તરીકે યુવા મહિલા અગ્રણીની નિમણુક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે કોંગ્રેસ મોવડીમંડળ દ્વારા યુવા અગ્રણી એવા કુ. જેન્ની ઠુમ્મરની નિમણુક કરવામાં આવી છે. મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે યુવાન અને શિક્ષિત મહિલાની નિમણુક કરવામાં આવી છે, જેના કારણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં યુવા મહિલાઓમાં કોંગ્રેસ તરફી ઝુકાવ વધારી શકાય. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખની મુદ્દત પૂર્ણ થઈ ગયા બાદ નવા મહિલા પ્રદેશ પ્રમુખ તરીકે દિલ્હી મોવડીમંડળ દ્વારા પસંદગીની પ્રક્રિયા ચાલી રહી હતી. જે અંગે ગત પખવાડિયામાં દિલ્હી ખાતે રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના પ્રમુખ સહિતની ટીમ દ્વારા ગુજરાતની મહિલાઓના ઈન્ટરવ્યું લેવામાં આવ્યા હતા. જેમાં પ્રબળ દાવેદારોમાં અમદાવાદના ગીતા પટેલ, વડોદરાના તૃપ્તિ ઝવેરી અને અમરેલીના કુ. જેન્ની ઠુમ્મરનો સમાવેશ થયો હતો.

યુવક કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગરમાં યુવા સ્વાભિમાન સંમેલન

ગાંધીનગર રાજ્યના યુવાનોના વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે તેમજ પેપર ફૂટવા, નોકરીઓની ભરતી રદ થવી, બેરોજગારી સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવા માટે ગાંધીનગર ખાતે યુવક કોંગ્રેસ દ્વારા ‘યુવા સ્વાભિમાન સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવાનોને લગતા પ્રશ્નોને વાચા અપાશે. પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા દ્વારા રાજ્યના યુવાનોના વિવિધ પ્રશ્નોને વાચા આપવા તેમજ સરકારી નોકરીઓની ભરતીઓમાં પેપર ફૂટવાની ઘટનાઓ, સરકારી નોકરીની ભરતીઓ રદ થવી, રાજ્યમાં વધી રહેલી બેરોજગારી જેવા મુદ્દાઓના વિરોધમાં તારીખ ૨૮ માર્ચને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના નેજા હેઠળ ‘યુવા સ્વાભિમાન સંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution