વડોદરા, તા.૧
વડોદરા મ્યુનિસિપિલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગમાં ફરિયાદ કરવા કે વિવિધ કામો લઈને આવતા લોકો ધક્કા ખાઈને થાકી જાય છે. ત્યારે રોડનું માર્જિન છોડયા સિવાય બાંધકામ કરનાર બિલ્ડરનું બાંધકામ તોડવાની જગ્યાએ ફરિયાદ કરનાર સોસાયટીના રહીશોની જ કંપાઉન્ડ વો અને ઝાડના ક્યારા કોર્પોરેશન દ્વારા તોડી નાખવામાં આવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આમ ફરિયાદ કરનાર સામે જ કાર્યવાહી કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે રોડ માર્જિન છોડયા સિવાય બાંધકામ કરનાર બિલ્ડર સામે કોઈ કાર્યવાહી કરાઈ ન હતી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગમાં દબાણો કે અન્ય ફરિયાદોના પાંચ થી છ અલગ અલગ રજિસ્ટર રાખીને ફરિયાદ ઈન્વર્ડ કરવી કે કેમ તે વિભાગના અધિકારી કહે તો જ ઈન્વર્ડ થાય અને ફરિયાદ ઈન્વર્ડ થયા બાદ ફરિયાદી ધક્કા ખાઈને થાકી જાય તોય કોઈ જવાબ ના મળે કે સ્થળ પર તપાસ કરીને કોઈ કાર્યવાહી જ ના થાય. આ કાંઈ નવી વાત નથી. ત્યારે રોડ માર્જિન છોડીને બાંધકામ થઈ રહ્યાની ફરિયાદ કરનાર સોસાયટીના રહીશોની જ કંપાઉન્ડ વોલ અને ઝાડના ક્યારા તોડી પાડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જૂના પાદરા રોડ રિલાયન્સ મોલની પાછળ જતા રોડ પર આવેલ હિરાનગર સોસાયટીના રહીશોએ તેમની સોસાયટી પાસેના રોડ પર રોડ માર્જિન છોડયા સિવાય બિલ્ડર દ્વારા બાંધકામ થઈ રહ્યાની ફરિયાદ પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં કરવામાં આવી હતી. પરંતુ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી જીતેશ ત્રિવેદીએ બિલ્ડરના બાંધકામ સામે કાર્યવાહી કરવાને બદલે સોસાયટીના રહીશોની જ કંપાઉન્ડ વોલ અને ઝાડના ક્યારા તોડાવી નાખ્યા હોવાનું જાણવા મળે છે.
ઓ.પી. રોડ પાસે બંધાઈ રહેલા તત્વમ મેગ્નસ મેપલ વીસ્ટાના બાંધકામની શરૂઆતના સમયે જ સોસાયટીના રહીશો દ્વારા ટાઉન પ્લાનિંગ વિભાગમાં રોડ માર્જિન છોડયા સિવાય બાંધકામ કરાઈ રહ્યાની ફરિયાદ કરાઈ હતી. પરંતુ હાલ ૭ થી ૮ માળ ઊભા થઈ ગયા છતાં તેને અટકાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમ જાણવા મળે છે. તો બીજી તરફ ફરિયાદ કરનાર સામે જ કાર્યવાહી કરી કંપાઉન્ડ વો તોડી પાડવામાં આવી હતી. આમ હવે ફરિયાદી પણ હવે કોર્પોરેશનમાં ફરિયાદ કરતાં ગભરાય છે.
હાઈકોર્ટના આદેશને પણ ઘોળીને પી ગયા!
એક અરજદારે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગમાં ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરી હતી. પરંતુ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા દબાણો દૂર નહીં કરાતાં અરજદારે નામદાર હાઈકોર્ટમાં ફરિયાદ કરતાં હાઈકોર્ટે ૧૦ દિવસમાં દબાણ તોડવા આદેશ કર્યો હતો પરંતુ ટાઉન પ્લાનિંગ વિભાગે આખું બાંધકામ નહીં તોડીને માત્ર સાઈડનું કેટલુંક બાંધકામ તોડીને દબાણ દૂર કરી દેવાયાનો રિપોર્ટ કરી દેતાં ફરિયાદીએ ફરી કોર્પોરેશનમાં અરજી સાથે ફરિયાદ કરતાં ટાઉન પ્લાનિંગ વિભાગે ફરિયાદીને તમારું જ મકાન ગેરકાયદે છે તેમ કહીને નોટિસ આપી દેતાં પાલિકા દ્વારા થતી કામગીરીને જાેઈ તેઓ અચંબિત થઈ ગયા હતા.
નોટિસ આપવાની માત્ર ઔપચારિકતા કરાય છે
પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં અનેક કિસ્સામાં બાંધકામ શરૂ હોય ત્યારે દબાણ વગેરેની ફરિયાદ થાય ત્યારે પહેલાં તો અરજદારને ધક્કા ખવડાવાય છે અને ત્યાર પછી અધિકારીને લાગે તો માત્ર ઔપચારિકતા માટે નોટિસ આપવામાં આવે છે. પરંતુ નોટિસ આપ્યા પછી જે તે બાંધકામ ઊભું થતાં સુધી કોઈ કાર્યવાહી કરાતી નથી અને ફરિયાદી ધક્કા ખાઈને આખરે થાકી જાય છે.
પાલિકા કચેરીમાં રાત્રે ૧૦ વાગ્યા સુધી બેસી રહેલા દંપતીને ત્રિવેદીએ ખખડાવ્યા!
સામાન્ય રીતે મોડી સાંજ સુધી ધમધમતી રહેતી પાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગની કચેરીમાં ધક્કા ખાતાં એક દંપતી વિભાગના અધિકારી જીતેશ ત્રિવેદીને મળવા રાત સુધી કચેરીની બહાર જ બેસી રહ્યું હતું. રાત્રે ૧૦ વાગે કેબિનની બહાર નીકળેલા ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી જીતેશ ત્રિવેદીએ અમારી પાસે બીજું કોઈ કામ નથી તેમ કહીને જાહેરમાં દંપતીને ખખડાવી નાખ્યા હોવાનું જાણવા મળે છે.
બાંધકામ શાખામાં ફરિયાદ કરી રોડલાઈન વાળાએ કંપાઉન્ડ વોલ તોડી!
જૂના પાદરા રોડ સ્થિત હિરાનગર સોસાયટીના રહીશોએ રોડ માર્જિન છોડયા સિવાય બાંધકામની ફરિયાદ કરી હતી. પરંતુ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી જીતેશ ત્રિવેદીએ સોસાયટીના રહીશોની ફરિયાદ બાજુએ મુકીને રોડલાઈન વાળાને માપણી કરવા બિલ્ડરના ઈશારે મોકલ્યા અને બિલ્ડરનું માર્જિનનું બાંધકામ દૂર કરવાને બદલે સોસાયટીના રહીશોની કંપાઉન્ડ વોલ જ તોડાવી, જેથી ગભરાયેલા નાગરિકો હવે તંત્ર સામે કાંઈ બોલવા પણ તૈયાર નથી.
Loading ...