લોકસત્તા ડેસ્ક 

પાઈરેટ્સ ઓફ કેરેબિયન' સ્ટાર જ્હોની ડેપ પોતાનો ડિવોર્સ કેસ હારી ગયો છે. જે પછી તેને વોર્નર બ્રધર્સના 'ફેન્ટાસ્ટિક બીસ્ટ્સ' ફ્રેન્ચાઈઝીમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. જ્હોની ડેપે ઓફિશ્યિલ રીતે સોશિયલ મીડિયા પર સ્ટેટમેન્ટ જાહેર કરીને જણાવ્યું હતું કે વોર્નર બ્રધર્સે તેનું રાજીનામું માગ્યું હતું. જેનું માન રાખતા તેણે રાજીનામું આપી દીધું છે. જોકે, આમ છતાં પણ તે ફિલ્મના એક સીનમાં તો જોવા મળશે. જેના માટે તેને તોતિંગ ફી ચૂકવવામાં આવી છે.

એક રિપોર્ટ અનુસાર 57 વર્ષના આ એક્ટરે સ્ટૂડિયો સાથે તોતિંગ ડીલ કરી હતી. જે અનુસાર તેને 10 મિલિયન ડોલર (અંદાજે સાત અબજ રુપિયા) મળવાના હતાં. હવે ફિલ્મનું શૂટિંગ 20 સપ્ટેમ્બરથી ચાલુ થઈ ગયું હતું. જેમાં જ્હોની ડેપનો માત્ર એક જ સીનનું શૂટિંગ થયું હતું. જે.કે.રોલિંગની સીરિઝમાં તે ગેલેર્ટ ગ્રિનવાલ્ડનો રોલ કરી રહ્યો છે. જોકે, હવે તે ડિવોર્સ કેસના કારણે ફિલ્મમાં નહીં જોવા મળે. 

નોંધનીય છે કે હવે જ્હોની ડેપ 'ફેન્ટાસ્ટિક બીસ્ટ્સ' સીરિઝમાં નહીં જોવા મળે. આ ન્યૂઝને ફેન્સ સાથે શૅર કરતાં એક્ટરે લખ્યું હતું કે,'હું ઈચ્છું છું કે તમે એ જાણી લો કે મને વોર્નર બ્રધર્સે ફેન્ટાસ્ટિક બીસ્ટ્સમાં મારા ગ્રિનવાલ્ડના રોલમાંથી રાજીનામું આપવાનું કહ્યું હતું. હું તેમની વિનંતીનું સન્માન કરું છું અને તેમના કહેવા અનુસાર મારી સહમતી છે. છેલ્લે હું એ કહેવા ઈચ્છું છું કે યુકે (બ્રિટન)ની કોર્ટના નિર્ણયથી સત્ય સામે મારી લડાઈ બદલવાની નથી અને હું એ પણ જણાવું છું કે હું આગળ અપીલ કરવાના પ્લાનમાં છું. મારો નિર્ણય હજુ પણ મજબૂત છે અને મારી સામેના તમામ આરોપો ખોટા સાબિત કરવાનો ઈરાદો ધરાવું છું. હાલ જે પણ થઈ રહ્યું છે તેનાથી મારી જિંદગી અને કરિયરને વ્યાખ્યાયિત ન કરી શકાય.' 

નોંધનીય છે કે જ્હોની ડેપની આ પોસ્ટ પછી ટ્વીટર પર જ્હોની માટે #JusticeforJohnnyDepp ટ્રેન્ડ થયું હતું. જ્હોની ડેપના ફેન્સ તેના માટે સોશિયલ મીડિયા પર એક અનોખું કેમ્પેઈન ચલાવી રહ્યાં હતાં. જ્હોનીના ફેન્સ અલગ અલગ વીડિયો પણ બનાવી રહ્યાં હતાં. જેમાં પ્રેમભર્યો સંદેશ મોકલતા હતાં.