લંડન-

બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન જ્યારે કોરોનાવાઈરસ બીમારીને કારણે ગંભીર રીતે બીમારી પડ્યા હતા ત્યારે એમની સારવાર કરનાર એક નર્સે સરકારના વલણથી નારાજગી બતાવીને બ્રિટનના રાષ્ટ્રીય આરોગ્ય ક્ષેત્ર (NHS)માં પોતાની સેવામાંથી રાજીનામું આપ્યું છે. જેની મેકગી નામનાં આ નર્સનો આક્ષેપ છે કે સરકાર દ્વારા સ્વાસ્થ્યકર્મીઓને સાવ ઓછો પગાર આપવામાં આવે છે અને તેમનાં પ્રતિ સમ્માન જાળવવામાં પણ સરકાર તરફથી અભાવ વર્તાવાને કારણે પોતે સેવામાંથી રાજીનામું આપી દીધું છે.

જોન્સનને 2020ના એપ્રિલમાં કોરોના થયો હતો અને એમને લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ વખતે જેની મેકગીએ એમની સારવાર કરી હતી. મેકગી મૂળ ન્યૂઝીલેન્ડનાં વતની છે. તેમણે ચેનલ-4ને જણાવ્યું છે કે, એ વખતે જોન્સનની આસપાસ અનેક દર્દીઓ હતા. એમાંના કેટલાક તો મરણપથારીએ હતા. મને યાદ છે કે જોન્સન પણ બહુ જ અસ્વસ્થ હતા. અમે નર્સ તથા અન્ય તમામ સ્વાસ્થ્યકર્મીઓએ એ વખતે માનવામાં ન આવે એટલી સખત મહેનત કરી હતી. પરંતુ હવે અમને જે રીતે પગારની ઓફર કરવામાં આવી છે અને જે રીતે અમારું માન જાળવ્યું નથી એનાથી નારાજ થઈને મેં રાજીનામું આપી દીધું છે.