જૂનાગઢ-

જૂનાગઢ અને કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઇન સેવા દ્વારા ગત વર્ષ દરમિયાન ૧૧૬૦ મહિલાઓને જરૂરિયાત સમયે મદદે પહોંચાડી ફરજ બજાવી છે. વર્ષ દરમિયાન આગેવાનો અને કુટુંબના સભ્યોને સ્થળ કાયદાની સમજણ આપી સમજાવટ કરી ૬૯૮ મહિલાઓના કેસમાં સમાધાન કરાવેલ જ્યારે ૭૪૯ મહિલાઓના ઘરેલુ હિંસાના કેસ સામે આવ્યા હતા.

જૂનાગઢ જિલ્લામાં બે ૧૮૧ રેસ્ક્યુ વાન કાર્યરત છે. જેમાં એક જૂનાગઢ અને બીજી કેશોદ ખાતે કાર્યરત છે. વર્ષ ૨૦૨૦માં કોરોનાની મહામારીમાં પણ આ બન્ને ટીમોએ જીવના જાેખમે પીડિત મહિલાઓની મદદ પુરી પાડી ઉમદા કામગીરી કરી છે. આ ઉપરાંત ડોર-ટુ-ડોર પ્રચાર-પ્રસાર કરીને ૧૮૧ સેવા તેમજ સરકારની વ્હાલી દીકરી યોજના, ગંગાસ્વરૂપ યોજના વગેરે યોજના વિશે જાગૃતતાના પ્રયાસો હાથ કર્યા હતા.

૧૮૧ની બન્ને ટીમો દ્વારા વર્ષ ૨૦૨૦માં ૧૧૬૦ મહિલાની મદદ કરી છે. તેમજ આગેવાનો અને કુટુંબના સભ્યો સાથે પરામર્શ કરી ૬૯૮ મહિલાના સ્થળ પર જ સમાધાન કરાયા છે તથા મહિલાની ગંભીર સમસ્યાને ધ્યાને લઇને વધુ મદદ માટે અન્ય સંસ્થા/વિભાગ સુધી કાર્યવાહી માટે ૪૩૪ મહિલાને મદદ કરવામાં આવી છે. જ્યારે અન્ય કેસો જેવા કે પીડિત મહિલા સ્થળ પર ન હોય અથવા ત્યાંથી નિકળી ગઇ હોય કે સંપર્ક ન થઇ શકે તેમ હોય તેવી ૨૮ મહિલા, યુવતિની મદદ કરવામાં આવી હતી.