જુનાગઢ: બચતકારો સાથે લાખોની છેતરપીંડી કરનાર ફરાર પિતા-પુત્ર ઝડપાયા
20, જાન્યુઆરી 2021 396   |  

જુનાગઢ-

જૂનાગઢ શહેર વિસ્તારમાં નકલી પોસ્ટ એજન્ટ બની લોકોની મરણ મૂડી ખોટા ફિક્સ ડિપોઝીટ સર્ટિફિકેટ અને પોસ્ટની નકલી બુકો બનાવી, ૬૦૦ થી વધુ લોકોનું કરોડોનું ફુલેકું ફેરવી, ભૂગર્ભમાં ઉતરી ગયેલા પિતા-પુત્રને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ તાલુકામાંથી દબોચી લીધા છે

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટી એ પત્રકાર પરિષદને આપેલી વિગતો અનુસાર તાજેતરમાં જૂનાગઢ ખાતે રહેતા ભરત પરમાર અને તેના દીકરા તુષાર પરમાર સામે પોસ્ટ વિભાગની ખોટી બુકો તથા પહોંચો બનાવી અને સાચા તરીકે ઉપયોગ કરી પૂર્વ આયોજિત કાવતરું રચી કુલ રૂ ૩૫,૮૭,૯૫૦ જેટલી રકમની ઠગાઇ કરી, વિશ્વાસઘાત કર્યા હોવાની એક ફરિયાદ નોંધાવા પામી હતી. આ ફરિયાદ બાદ લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર ભરત પરમાર અને તેના દીકરો તુષાર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને આ શખ્સોને પકડી પાડવા માટે જૂનાગઢ પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી.જૂનાગઢ જિલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર લાખો રૂપિયાની છેતરપિંડીમાં પકડાયેલા ભરત નારણભાઈ પરમાર અને તુષાર ભરતભાઈ પરમાર છેલ્લા કેટલાક વર્ષોથી આ રીતે મોડસ ઓપરેન્ડી વાપરી અને ગ્રાહકોને છેતરપિંડીનો ભોગ બનાવેલ છે અને આશરે ૬૦૦થી વધારે ગ્રાહકો બનાવી ત્રણેક કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હોવાનુ જાણમાં આવેલ છે ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા આરોપી પિતા પુત્રની રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઇ છે અને સઘન રીતે પૂછપરછ અને તપાસ હાથ ધરાઇ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution