વડોદરા, તા.૧૪

ગોત્રીના હાઈપ્રોફાઈલ રેપકેસમાં પીડિતા અને રાજુ ભટ્ટ વચ્ચે પરિચય કરાવવાની સાથે આરોપી રાજુ ભટ્ટને રૂા.૭૦ હજાર આપી ભગાડવામાં મદદ કરનાર હાર્મની હોટેલના પૂર્વ સંચાલક કાનજી મોકરિયાએ અદાલતમાં દાખલ કરેલી જામીનઅરજીમાં બંને પક્ષોની દલીલો બાદ અત્રેની અદાલતે જેની વધુ સુનાવણી સોમવાર પર રાખી છે.

અદાલતી વર્તુળોના જણાવ્યા મુજબ શહેરમાં અભ્યાસ માટે આવેલ પરપ્રાંતીય યુવતી પર દુષ્કર્મ આચરવાના કથિત ગુનામાં સંડોવાયેલા પાવાગઢ મહાકાળી મંદિરના માજી ટ્રસ્ટ રાજુ ભટ્ટ સામે ગોત્રી પોલીસમાં ગુનો દાખલ થતાં જ ફરાર થઈ ગયો હતો. આરોપી રાજુ ભટ્ટને બચાવવા માટે કાનજી અરજણભાઈ મોકરિયા (રહે. ફોચ્ર્યુન એમ્પાયર બિલ્ડિંગ, અલકાપુરી)એ સમાધાનના પ્રયાસો કર્યા હતા તેમજ પીડિતાને જીપીએસસીની પરીક્ષા આપી સરકારી અધિકારી બનવું હોવાથી કાનજી મોકરિયાએ તેના મિત્ર રાજુ ભટ્ટ સાથે પરિચય કરાવ્યો હતો. તદ્‌ઉપરાંત રાજુ ભટ્ટને ભગાડવામાં કાનજી મોકરિયાએ રૂા.૭૦ હજાર આપી રણોલી સુધી છોડી આવ્યો હતો. હાલમાં જેલવાસ ભોગવતા આરોપી કાનજી મોકરિયાએ જામીન પર છૂટવા માટે અદાલતમાં અરજી કરી હતી. જેના વિરોધમાં પોલીસે કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરીને જણાવ્યું કે, સમાજવિરુદ્ધના ગુનાના આરોપી રાજુ ભટ્ટને ભગાડવામાં રૂા.૭૦ હજારની આર્થિક મદદ કરી છે. આરોપી સામે પ્રથમદર્શનીય પુરાવો છે. આ કેસમાં સાહેદોને ફોડી નાખી કેસને નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે. આરોપીના જામીન મંજૂર કરવામાં આવે તો નિયત મુદતે હાજર રહેશે નહીં. બંને પક્ષની રજૂઆતો સાંભળ્યા બાદ અદાલતે જામીનઅરજીની વધુ સુનાવણી આગામી તા.૧૮ની પર રાખી છે.