મુંબઇ 

કરીના કપૂર ખાન હાલ દિલ્હીમાં 'લાલ સિંહ ચઢ્ઢા' ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ શેડ્યુઅલ આ મહિનાના અંત સુધી ચાલશે. ઘણા વર્ષોમાં આવું પહેલીવાર છે કે જ્યારે કરીના એકલી શૂટિંગ પર ગઈ હોય. કોરોનાના ખતરાને કારણે તે તૈમુરને દિલ્હી નથી લઇ ગઈ. કરીના મહામારીની સ્થિતિમાં રોજ 8થી 10 કલાક શૂટિંગ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, 'કરીના ફિલ્મમાં આમિરની રૂપા બની છે. આમિર લાલ નામના ફૌજીના રોલમાં છે. શુક્રવારથી બંને ઇન્ડિયા ગેટ પર ફિલ્મના એક રોમેન્ટિક સોન્ગનું શૂટિંગ કરવાના છે. ગીત બેકડ્રોપમાં વાગતું રહેશે. બંને તેના પર પરફોર્મ કરતા રહેશે. આમિર કરીના પર પિક્ચરાઇઝ કરાયેલા આ સોન્ગને સરોજ ખાનના દીકરા રાજુ ખાન કોરિયોગ્રાફ કરી રહ્યા છે.

અત્યાર સુધી આખી ટીમ દિલ્હીની એક સ્કૂલમાં શૂટ કરી રહી હતી. અમુક એક્શન સિક્વન્સનું શૂટિંગ દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં થયું છે. હાલમાં જ હોટલ અને રસ્તાઓ પર આમિર ખાને એક્શન સિક્વન્સ શૂટ કર્યું હતું. કનોટ પ્લેસના રસ્તાઓ પર ગાડીઓની વચ્ચે આમિરનો દોડવાનો સીન પણ શૂટ કર્યો છે. સેટ પર કરીનાની સાથે સાથે ક્રૂ મેમ્બર્સની સેફ્ટીનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રોડક્શન રોજ આના માટે બે લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરી રહ્યું છે.

સૂત્રોએ કન્ફર્મ કર્યું છે કે ફિલ્મમાં સુવર્ણ મંદિરવાળું ઓપરેશન બ્લુ સ્ટાર નથી. હા, રાઇટર્સે આમાં કારગિલ યુદ્ધની એક સિક્વન્સ રાખી છે. આમિર કારગિલને તુર્કીના પહાડોમાં શિફ્ટ કરવા ઇચ્છતા હતા. લોકેશન જોવા માટે એક્ટર તુર્કી પણ ગયા હતા પરંતુ ત્યાં રાષ્ટ્રપતિની પત્ની સાથે મુલાકાત કરવાના કારણે તેને સોશિયલ મીડિયા યુઝર્સની ઘણી નિંદા સહન કરવી પડી હતી. ત્યારબાદ ટીમે હવે તુર્કીનો પ્લાન બદલી દીધો છે.

કારગિલને ઇન્ડિયામાં જ લદાખ અથવા લાહૌલ સ્પિટિમાં કોઈ જગ્યાએ રીક્રીએટ કરવામાં આવશે. કારગિલ અને કશ્મીરને આ પહેલાં 'ગુંજન સક્સેના: કારગિલ ગર્લ' માટે સર્બિયા અને જ્યોર્જિયામાં રીક્રીએટ કરવામાં આવ્યું હતું.