વડોદરા : ગોરવા વિસ્તારમાં શિવશક્તિનગર વસાહત પાસે મોડી સાંજે ઢોર માટે ચારો પાડવાની નજીવી બાબતે થયેલી તકરારમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવક પર હુમલો કરીને તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ બનાવની ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અંકોડિયામાં આવેલા ક્રિશ્નનગર હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતો ૨૫ વર્ષીય રાકેશ પુનમભાઈ પરમાર હાલમાં ખાનગી સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. છેલ્લા બે માસથી તે ગોરવા પાણીની ટાંકી પાસે આવેલા શિવશક્તિ નગર વસાહતમાં રહેતા મિત્રના ઘરે રહેતો હતો. આજે મોડી સાંજે તે મિત્રના ઘર પાસે આવેલી ચાની લારી પર બેઠો હતો તે સમયે રોડ પર ઝાડ પરથી બકરીઓ માટે ચારો પાડી રહેલા બેથી ત્રણ યુવકોને રાકેશે રોક્યા હતા અને રોડ પર ડાળીઓ ના પાડો તેમ જણાવ્યું હતું. આ મુદ્દે ચારો પાડી રહેલા યુવકોએ તેની સાથે બોલાચાલી કરી હતી. બોલાચાલીમાં મામલો બિચકતા યુવકોએ તેની સાથે ઝપાઝપી કરી હતી અને તે પૈકીના એક યુવકે તેની સાથે લાવેલા કટર જેવા તીક્ષ્ણ હથિયારથી રાકેશના છાતીમાં ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં રાકેશ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડતા જ હુમલાખોરો તેને છોડીને ફરાર થયા હતા. આ બનાવની જાણ થતાં રાકેશનો ભાઈ અર્જુન તેમજ પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેઓએ ખુણામાં પડેલા રાકેશને લોહીલુહાણ અને બેભાનવસ્થામાં ઓટોરિક્ષામાં ગોત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતું સારવાર મળે તે અગાઉ જ રાકેશનું મોત નિપજયું હતું. આ બનાવની ગોરવા પોલીસને જાણ થતાં પોલીસે રાકેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. હત્યાના બનાવની જાણ થતાં એસીપી પરેશ ભેંસાણિયા સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ બનાવને નજરે જાેનાર યુવકની કેફિયતના આધારે ગોરવા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.