વડોદરા, તા.૨૧
એક વ્યક્તિ એક હોદ્દાની ભાજપની નીતિના ભાગરૂપે વડોદરાના મેયર કેયુર રોકડિયા સયાજીગંજ બેઠકના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ મેયરપદેથી રાજીનામું આપશે એવી અટકળો આખરે સાચી પડી હતી. તેમણે આજરોજ તેમના મેયરપદના હોદ્દા પરથી રાજીનામું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરી ચિંતન દેસાઈને આપી દીધું હતું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડે.મેયર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, તેમણે પણ ગઈકાલે જ ડે. મેયરપદેથી રાજીનામું આપી દીધું હોવાથીે કેયુર રોકડિયા પણ મેયરપદેથી રાજીનામું આપી દેશે તેવી ચર્ચા ગઈકાલથી જ શરૂ થઈ હતી.
આજે રજૂ થયેલા પરંતુ તા.૧૫ના રોજ લખેલા રાજીનામાપત્રમાં તેમણે જણાવ્યું છે કે કોર્પોરેશનનું ૨૦૨૧નું ઇલેક્શન જીત્યા બાદ પાર્ટીએ મને ૧૦-૩-૨૦૨૧માં મેયર તરીકે સેવા આપવાની તક આપી હતી. ભાજપે મને ગત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં સયાજીગંજ વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી કરવાનો અવસર આપતાં હું આજે સયાજીગંજ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યો છું, આજે મારી પાસે વડોદરા શહેરના મેયરની અને સયાજીગંજના ધારાસભ્યના રૂપમાં બે મુખ્ય જવાબદારી છે. મેયર તરીકેના કાર્યકાળ પૂર્ણ થવામાં હજુ ૬ મહિના જેટલો સમય બાકી છે. આગામી દિવસોમાં એટલે કે, તા.૨૩-૦૨-૨૦૨૩ થી તા.૨૯-૦૩-૨૦૨૩ સુધી ગુજરાત વિધાનસભા સત્ર ચાલવાનું છે, અને ત્યાં મારે ફરજિયાત હાજર રહેવું પડશે. મેયરના રૂપમાં શહેરના રોજિંદા પ્રશ્નોનું નિરાકરણ, નાગરિકોની ફરિયાદો તથા શહેરના વિકાસની પણ ચિંતા કરવી જરૂરી છે. મારા મેયરકાળ દરમિયાન શહેરની વર્ષોજૂની સમસ્યાના સમાધાન અને શહેરના વિકાસ માટેના સામૂહિક પ્રયત્નો થકી મને મારા કાર્યોથી સંતોષ પણ છે. ભારતીય જનતા પાર્ટીની એક વ્યકિત એક જવાબદારીની ભાવનાને સ્વીકારં છું. મારા કાર્યને હું ન્યાય આપી શકું તે વિચારીને હું મેયર તરીકેની જવાબદારીમાંથી રાજીનામું આપું છું.
નવા મેયરની નિયુક્તિ માટે હવે ખાસ સામાન્યસભા બોલાવાશે
મેયરપદેથી કેયુર રોકડિયાએ આજે રાજીનામું આપી દેતાં હવે આગામી દિવસોમાં મેયરપદેથી તેમનું રાજીનામું સ્વીકારવા માટે ખાસ સામાન્ય સભા બોલાવાશે તેમાં મેયર પદેથી કેયુર રોકડિયાના રાજીનામા સાથે નવા મેયરની નિયુક્તિની દરખાસ્ત પણ મુકાય તેવી શક્યતા છે અને ખાસ સામાન્ય સભામાં રાજીનામું સ્વીકારી નવા મેયરની નિયુક્તિ પણ કરાય તેવી શક્યતા છે ત્યાં સધી મેયરપદે કેયુર રોકડિયા ચાલુ રહેશે તેમ પાલિકાના સત્તાવાર સૂુત્રોએ જણાવ્યું હતું.
તા.૧૫મીએ રાજીનામું આપી ૨૧મીએ જાહેરાત કરી
મેયર કેયુર રોકડિયાએ મેયરપદેથી તા.૧૫મી ફેબ્રુઆરીએ જ રાજીનામું મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરીમાં સુપરત કરી દીધું હતું .આજે મેયરે તેની સત્તાવાર જાહેરાત કરી હતી. જાે કે, સામાન્ય સભા જ્યાં સુધી મેયર પદેથી તેમનું રાજીનામું મંજૂર કરે નહીં ત્યાં સુધી તેઓ મેયર પદે ચાલુ રહેશે.
શહેરના કયા નેતા કોની તરફદારી કરશે?
૧) ભાર્ગવ ભટ્ટ - પ્રદેશ મહામંત્રી ઃ પરાક્રમસિંહ જાડેજા, અલ્પેશ લીંમ્બાચીયા, ડો.શીતલ મીસ્ત્રી, સંગઠનના નામોને ટેકો કરે ૨) બાળકૃષ્ણ શુક્લ (મુખ્ય દંડક વિધાનસભા ) ઃ ડો.શીતલ મીસ્ત્રી, ચિરાગ બારોટ ૩) રંજનબેન ભટ્ટ ( સાંસદ વડોદરા ) ઃ ભાણજી પટેલ, સંગઠનના નામોને ટેકો કરે ૪) યોગેશ પટેલ ( ધારાસભ્ય રાવપુરા ) ઃ નિલેશ રાઠોડ, ચિરાગ બારોટ, શૈલેષ પાટીલ ૫ ) મનીષાબેન વકીલ ( ધારાસભ્ય શહેર વાડી ) ઃ અજીત દઘીચ, શૈલેષ પાટીલ ૬ ) સંગઠન ( ડો.વિજય શાહ, સુનિલ સોલંકી ) ઃ ચિરાગ બારોટ, મનોજ પટેલ ૭) ચૈતન્ય દેસાઈ ( ધારાસભ્ય અકોટા ) ઃ મનીષ પગાર ૮) કેયુર રોકડિયા ( મેયર, ધારાસભ્ય સયાજીગંજ ) પાર્ટી લાઈનમાં જે નામો ભાર્ગવ ભટ્ટ મુકશે તે નામોને ટેકો કરશે?
Comments