રાજપીપળા, તા.૫

 વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા રેલ્વે સ્ટેશનને નવી ઓળખ મળી છે, કેવડિયા રેલ્વે સ્ટેશનનું નવું નામકરણ એકતા નગર તરીકે કરાયું છે.દેશના પેહલા ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનના ભૂમિપૂજને જ સંકેત અપાયો હતો કે ભવિષ્યમાં કેવડિયા ભારતના એકતા નગર તરીકે પ્રચલિત થશે અને આજે તે દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી એકતા તરીકે જગપ્રસિદ્ધ થઈ ગયું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી રેલવે સ્ટેશન પર એકતા નગરનું બોર્ડ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં લગાવી દેવામાં આવ્યું છે.જાેકે સ્ટેશનની ત્રણ માળની ગ્રીન બિલ્ડીંગ ઉપર હજી કેવડિયા જ નામકરણ જાેવા મળી રહ્યું છે.માત્ર સ્ટેશનના તમામ પ્લેટફોર્મના બન્ને છેડા એકતા નગરના બોર્ડ લગાવી દેવાયા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં અત્યાર સુધી દેશમાં અલ્હાબાદ રેલવે સ્ટેશનનું પ્રયાગરાજ, હબીબગંજનું રાણી કમલાપતિ, ફૈઝાબાદનું અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન નામ કરવામાં આવ્યું હતું.હવે દેશના પેહલા ગ્રીન અને ફાસ્ટેટ નિર્માણ પામેલા કેવડિયા રેલવે સ્ટેશનનું નામ એકતા નગર કરી દેવાયું છે.

કેવડિયા દેશનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન છે. જ્યાં દેશના પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનમાં વીજ લાઇન સાથે સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે, જેના થકી આખું રેલવે સ્ટેશન સોલાર પાવરથી ચાલે છે. સોલાર પાવરથી ૨૦૦ કિલો વોટનું વીજ ઉત્પાદન કરી શકાય છે.૨૦ કરોડ રૂપિયાના ખર્ચે સૌથી ઝડપી સમયમાં નિર્માણ થયું છે.

મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લા કલેકટર કચેરીથી આખી પ્રોસીઝર કરવામાં આવી હતી.ગ્રામ પંચાયત કેવડીયાના ઠરાવ બાદ નામ બદલવાની કાર્યવાહી કરાઈ છે.ઉલ્લેખનીય નવુ નામકરણ કેવી રીતે થયું એ બાબતે હજુ સત્તાવાર કોઈ માહિતી મળી નથી.તો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી સમયમાં પીએમ મોદીની કે ગુજરાતના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેવડીયાના નવા નામકરણ એકતાનગરની સત્તાવાર જાહેરાત કરી શકે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં.