શહેર ભાજપ કાર્યાલયનું પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, એપ્રીલ 2023  |   1386

વડોદરા, તા.૧૨

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે કારેલીબાગ બહુચરાજી મંદિર ત્રણ રસ્તા પાસે વડોદરા શહેર ભાજપ કાર્યાલયનું ખાતમુર્હુત કર્યું હતું. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પાર્ટીના સંગઠનને મજબૂત કરીને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા દરેક મતદાર સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન છે. અને તેના માટે સોશિયલ મીડિયા અને આઇટીના કાર્યકરોએ પ્રયાસ કર્યો છે. બુથમાં પણ પેજ કમિટીનું કામ વધુ મજબૂત કરવાની સૂચના આપી છે. આગામી ૩૦ દિવસમાં આ કાર્ય પૂર્ણ થઈ જશે. પ્રદેશ મહામંત્રીને દૂર કરવા મુદ્દે તેમણેે જણાવ્યું હતું કે, આ પાર્ટીની પ્રક્રિયા હોય છે ઘણા બધા ફેરફારો થયા છે અને સતત થતાં હોય છે. જાે કે, મંત્રીમંડળના વિસ્તરણને લઈને તેમણે ચૂપકિદી સેવી કહ્યું હતું કે, આ પ્રશ્ન મુખ્યમંત્રીને પૂછવો જાેઈએ.

તેમણે પત્રકારોને સંબોઘતા કહ્યુ હતુ કે,દરેક જિલ્લામાં કાર્યાલય ફરજીયાત હોવું જાેઈએ. શહેરથી થોડુ દૂર ભલે હોય પણ મોટું હોય. જ્યાં દરેક સુવિધાઓ ઉપલબ્ધ હોય. વડોદરા શહેરનું ભાજપનું કાર્યાલય આજે પણ હયાત છે, પરંતુ પાર્કિંગની વ્યવસ્થા સાથે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.વડોદરા શહેર પ્રમુખ વિજય શાહ અને તેમની ટીમ, સાંસદ, મેયર, ધારાસભ્યો અને પદાધિકારીઓ દ્વારા આ જગ્યા પસંદ કરવામાં આવી હતી અને જગ્યા ખરીદીને આજે ખાતમુર્હુત કરવામાં આવ્યું છે અને ૬ એપ્રિલ-૨૦૨૪ સુધીમાં આ કાર્યાલયનું બાંધકામ પૂર્ણ કરીને કાર્યકર્તાઓ અને લોકો માટે સમર્પિત કરવાની યોજના બનાવી છે.

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કાર્યકરોના સહકાર વગર ક્યારેય કોઈ કાર્યાલય બનતુ નથી. અમે સુરેન્દ્રનગર, કચ્છ અને સુરત સહિતના જિલ્લાઓમાં કાર્યકરોએ આપેલા ફંડમાંથી કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે અને વડોદરા શહેરમાં પણ કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના સાથ સહકાર સાથે નિર્માણ કરવામાં આવશે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution