અમદાવાદ-

ખેડા જિલ્લાના વંઘરોલી ગામના દેવેન્દ્રભાઈ રાવલે પીઠના તીવ્ર દુખાવા અને પેશાબ કરવામાં તકલીફ માટે બાલાસિનોર શહેરની કેએમજી જનરલ હોસ્પિટલના ડો.શિવુભાઈ પટેલની સલાહ લીધી હતી. મે ૨૦૧૧ માં તેમની ડાબી કિડનીમાં ૧૪ એમએમની પથરી હોવાનું નિદાન થયું હતું. જેની સારવાર માટે રાવલને વધુ સારી સુવિધામાં ધરાવતી હોસ્પિટલમાં જવાની સલાહ પણ આપવામાં આવી હતી, પરંતુ તેમણે તે જ હોસ્પિટલમાં સર્જરી કરાવવાનું પસંદ કર્યું હતું. ૩ સપ્ટેમ્બર, ૨૦૧૧ ના રોજ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સર્જરી બાદ પરિવારજનોને ત્યારે ઝટકો લાગ્યો કે જ્યારે ડોક્ટરે કહ્યું કે પથરીને બદલે દર્દીની કિડની જ કાઢવી પડી છે. આ સાથે ડોક્ટરે કહ્યું કે આવું તેમણે દર્દીના શ્રેષ્ઠ હિતને ધ્યાને રાખી કર્યું છે. જ્યારે રાવલને પેશાબ કરવામાં વધુ તકલીફ થવા લાગી ત્યારે તેને નડિયાદની કિડની હોસ્પિટલમાં શિફ્ટ કરવાની સલાહ આપવામાં આવી.

બાદમાં જ્યારે તેમની તબિયત વધુ બગડી તો અમદાવાદની આઈકેડીઆરસીમાં લઈ જવામાં આવ્યા. જ્યાં ૮ મી જાન્યુઆરી, ૨૦૧૨ ના રોજ રેનલ કોમ્પ્લિકેશનના કારણે તેમનું મૃત્યુ થયું. જે બાદ તેમના વિધવા પત્ની મીનાબેને નડિયાદ ખાતે ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ દાખલ કરી. પંચે ૨૦૧૨ માં તબીબ, હોસ્પિટલ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિ.ને તબીબી બેદરકારી બદલ વિધવાને રુ. ૧૧.૨૩ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ડિસ્ટ્રિક્ટ કમિશનનો આદેશ આવ્યા બાદ આ રકમ કોણ ચુકવશે હોસ્પિટલ કે વીમા કંપની તેને લઈને આ કેસ રાજ્ય ગ્રાહક સુરક્ષા કમિશન સમક્ષ આવ્યો હતો. જેમાં પ્રશ્ન હતો કે વળતર ચૂકવવા માટે કોને જવાબદાર ગણવા જાેઈએ. કેસની સમગ્ર વિગત સાંભળ્યા બાદ રાજ્ય આયોગે નોંધ્યું કે હોસ્પિટલમાં ઇન્ડોર અને આઉટડોર દર્દીઓ માટે વીમા પોલિસી હતી, પરંતુ સારવાર કરનારા ડોક્ટર દ્વારા તબીબી બેદરકારી માટે વીમાદાતા જવાબદાર નથી. આ સર્જરી માત્ર કિડનીમાંથી પથરી દૂર કરવા માટે હતી અને પથરી દૂર કરવા માટે જ સંમતિ લેવામાં આવી હતી ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચે બાલાસિનોરની કેએમજી જનરલ હોસ્પિટલને દર્દીના સગાને રુ. ૧૧.૨૩ લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.

હોસ્પિટલમાં પથરીની બિમારીને લઈને દાખલ થયેલા દર્દીની પથરી કાઢવાની જગ્યાએ ડોક્ટર્સે ડાબી કિડની જ કાઢી નાખી હતી. જે બાદ શરીરમાંથી મહત્વપૂર્ણ અંગ બહાર કઢાયાના ચાર મહિના બાદ દર્દીનું મૃત્યુ થયું. ગ્રાહક અદાલતે જણાવ્યું હતું કે હોસ્પિટલ તેના કર્મચારીના બેદરકારીપૂર્ણ કૃત્ય માટે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે જવાબદારી ધરાવે છે. આ કિસ્સામાં ઓપરેટિંગ ડોક્ટરની ભૂલ માટે હોસ્પિટલ જવાબદાર છે. "એમ્પ્લોયર માત્ર તેના પોતાના કૃત્યો અથવા કમિશન અને બાદબાકી માટે જ જવાબદાર નથી, પણ તેના કર્મચારીઓની બેદરકારી માટે પણ જવાબદાર છે, જ્યાં સુધી તે બેદરકારી કર્મચારી દ્વારા રોજગારના સ્થાને અને ફરજ દરમિયાન કરવામાં આવી હોય. આ જવાબદારી રિસ્પોન્ડન્ટ સુપિરિયરના સિદ્ધાંત અનુસાર એટલે કે માલિકને જવાબ આપવા દોને આધારીત છે. તેમ કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું હતું. અને કોર્ટે હોસ્પિટલને આદેશ આપ્યો હતો કે કેસ દાખલ કરનારને વર્ષ ૨૦૧૨થી ૭.૫ ટકાના વ્યાજ સાથે વળતરની રકમ ચૂકવવામાં આવે.