વડોદરા, તા.૨૯

ફાયર વિભાગ દ્વારા બે બે નોટીસો આપવા છતાં તંત્રના આદેશને ધોળીને પી જતાં જતેલપુર રોડ પર આવેલા કલ્યાણ જ્વેલર્સ તેમજ આલ્ફા કોમ્પ્લેક્સને આજે વડોદરા ફાયરબ્રિગેડ અને તાત્કાલિક સેવાઓ દ્વારા વીજ જાેડાણ કાપીને સીલ કરી દેવામાં આવતા તંત્રની નોટીસોને નહી ગણકારતા અન્ય વગદાર કોમ્પ્લેક્સના વહીવટદારો અને વૈભવી શોરૂમના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

ફાયર વિભાગના નિયમોનું પાલન નહી કરી આગ લાગવા કે અન્ય દુર્ઘટનાના સમયે અનેક લોકોના જીવને જાેખમ ઉભું થાય તેવી સ્થિતીનું નિર્માણ કરતા વિવિધ કોમ્પ્લેક્સ તેમજ વિશાળ શોરૂમના સંચાલકોને વડોદરા મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડ તેમજ તાત્કાલિક સેવા વિભાગ દ્વારા એનબીસી-૨૦૧૬ પાર્ટ-૪ના નિયમો હેઠળ ફિક્સ ફાયર પ્રોટેકશન સિસ્ટમ અને જીવન સુરક્ષાના ઉપાયોની તાત્કાલિક અસરથી વ્યવસ્થા કરવા માટે આદેશ કરાયા હતા. જાેકે તંત્રના આદેશને ધોળીને પી જતા કોમ્પ્લેક્સના વહીવટદારો અને શોરૂમના સંચાલકો સામે આખરે ફાયર બ્રિગેડને વીજજોડાણ કાપી સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવાની ફરજ પડી છે.

આ પૈકી જેતલપુર રોડ પર આવેલા કલ્યાણ જ્વેલર્સના સ્થાનિક સંચાલક તેમજ આલ્ફા કોમ્પ્લેક્સના વહીવટદારોને કોર્પોરેશન તંત્ર દ્વારા ગત બે મહિના અગાઉ ફિક્સ ફાયર પ્રોટેકશન સિસ્ટમ સાથે જીવન સુરક્ષાના ઉપાયોની તાત્કાલિક વ્યવ્સ્થા કરવા માટે પહેલી નોટીસ અપાઈ હતી. જાેકે આ નોટીસનું પાલન નહી થતાં ગત ૨૪મી નવેમ્બરે તેઓને બીજી નોટીસ આપવામાં આવી હતી. બે -બે નોટીસો આપવા છતાં તેઓએ નોટીસ મુજબ કામગીરી નહી કરતા આજે કોર્પોરેશનના ફાયર બ્રિગેડના અધિકારી સહિતની ટીમે ક્લ્યાણ જ્વેલર્સ અને આલ્ફા કોમ્પ્લેક્સના વીજ જાેડાણ કાપી નાખી તેઓને સીલ માર્યા હતા.