વડોદરા : શહેરની સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરના વોર્ડમાં દાખલ દર્દીઓને ચા-નાસ્તો અને ટિફિન પહોંચાડવા માટે દર્દીઓના સગાઓ પાસેથી રૂપિયા લઈને કેટલાક સર્વન્ટો અને સિકયુરિટી ગાર્ડો સેવાઓ આપતા હોવાની ગંભીર ફરિયાદો ઊઠી છે અને રૂપિયા ન આપનાર દર્દીઓના સગાઓનો નાસ્તો પડી રાખવામાં આવતો હોવાનું દર્દીઓના સગાઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. આજે આવો જ એક કિસ્સો હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ દર્દીને ચા-નાસ્તો ન પહોંચવાનો કિસ્સો સપાટી પર આવ્યો હતો. આ ચકચારી બનાવ ઉપર પડદો પાડી દેવા માટે જવાબદારી વ્યક્તિઓએ દોડધામ કરીહ તી અને વીડિયો ક્લિપને સોશિયલ મીડિયા પર ન મૂકવા શામ-દંડ-ભેદથી પ્રયાસો હાથ ધર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાની મહામારી શરૂ થઈ છે ત્યારથી જ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં દર્દીઓ કોવિડ વોર્ડમાં દાખલ થઈ રહ્યા છે. કોરોનાની ગાઈડલાઈન મુજબ વોર્ડમાં દાખલ દર્દીઓ સાથે કોઈ સગાસંબંધીઓ રહેવા દેવામાં આવતા નથી અને તમામ સારવાર સુવિધા અને દર્દીઓની સારસંભાળ હોસ્પિટલના સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. પરંતુ હોસ્પિટલના કેટલાક કોન્ટ્રાકટના કર્મચારી સર્વન્ટો અને સિકયુરિટી જવાનો દર્દીઓના સગાઓની મજબૂરીનો લાભ ઉઠાવી રૂપિયા કમાવવાનું સાધન શોધી કાઢયું છે.

હોસ્પિટલના વહીવટીતંત્રના સત્તાધીશોએ દાખલ દર્દીઓને ઘરનો ચા-નાસતો મળી રહે તે માટેની કોવિડ સેન્ટરની નીચે બહાર પ્રવેશ ગેટ પાસે જ ફૂડ પેકેટો અને ચા-નાસ્તો પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. પરંતુ કેટલાક કર્મચારીઓ દ્વારા ઈરાદાપૂર્વક દર્દીઓને ફૂડ પેકેટ પહોંચતાં કરતા નથી અને દર્દીના સગાઓ પાસેથી રૂા.૧૦૦-૨૦૦ લઈને ફૂડપેકેટો દર્દીને વોર્ડમાં પહોંચતા કરતા હોવાના ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદો ઊઠી છે. કેટલાક સર્વન્ટો અને સિકયુરિટી દ્વારા આ વ્યવસ્થિત કૌભાંડની ફરિયાદ કરનારને ગર્ભિત ધમકી પણ આપવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. કોવિડ વોર્ડમાં લૂંટફાટનો ધંધો કરતા તત્વોનો ભોગ બનેલા દાખલ દર્દીઓના સગાએ આજે આ કૌભાંડનો ભાંડો ફોડયો હતો.