મુંબઇ
કોવિડ 19 પોઝિટિવ આદિત્ય નારાયણ હોસ્પિટલથી ઘરે પરત આવી ગયો છે. તેણે હેલ્થ અપડેટ આપતાં કહ્યું હતું, 'મને હવે સારું છે, મારી પત્નીને પણ સારું છે. જોકે, વાઈરસને કારણે તેનામાં નબળાઈ આવી ગઈ છે.' આદિત્ય હવે ઘરમાં ક્વૉરન્ટીન છે. તે ફરી એકવાર ટેસ્ટ કરાવશે કે તે નેગેટિવ થયો કે નહીં. આદિત્યે કહ્યું હતું કે તેને કોવિડ પોઝિટિવ થયે 18 દિવસ થયા. ત્રણ અઠવાડિયા એટલે કે 21 દિવસ થશે એટલે તે ફરી એકવાર ટેસ્ટ કરાવશે.
આદિત્ય સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ 12'માં હોસ્ટ તરીકે પરત આવવાની તૈયારી કરી રહ્યો છે. વેબ પોર્ટલ સ્પોટબોય સાથેની વાતચીતમાં આદિત્યે કહ્યું હતું, 'હું શોને બહુ જ મિસ કરું છું. હું પરત આવવા માટે ઉત્સુક છું. મેં ઘણું ધ્યાન રાખ્યું છતાંય હું કોવિડ 19 પોઝિટિવ થયો.'
આદિત્યે વધુમાં કહ્યું હતું, 'ઘરમાં રહો. વાઈરસથી બચવાનો આ એક માત્ર ઉપાય છે. મેં શક્ય તેટલી સાવધાની રાખી. માસ્ક પહેર્યો, દરેક વસ્તુ સેનિટાઈઝ કરી, શૂટિંગ, જીમ તથા પેરેન્ટ્સને મળવા સિવાય હું બીજે ક્યાંય ગયો નથી. ત્યાં સુધી કે જીમમાં ભીડથી બચવા માટે મેં મારો સમય સવારના છ વાગ્યાનો કર્યો હતો. છતાં હું કોરોનાની ચપેટમાં આવી ગયો. આનો અર્થ એ થયો કે કોઈ પણ વ્યક્તિ વધુ સાવધાન રહી શકે નહીં.'