કચ્છ-

2008માં કચ્છના નાના દિનારા ગામનો ઢોર ચરાવતો માલધારી ભુલથી પાકિસ્તાન પહોંચી ગયો હતો, પાકિસ્તાને જાસુસીના આરોપમાં કેદ કરી જેલમાં પુરી દીધો હતો, સજા પુર્ણ થઇ ગયા છતા મુક્ત ન કરાતા ભારતીય વિદેશ મંત્રાલયે રજૂઆત કરી હતી. 14 મી જાન્યુઆરીએ ઇસ્લામાબાદ હાઈકોર્ટના આદેશ બાદ આખરે શુક્રવારે તેને મુક્ત કરવામાં આવ્યો હતો. આમ, બાર વર્ષે પાકિસ્તાની અધિકારીઓએ તેને ભારતીય અધિકારીઓના હવાલે કરતા કચ્છના નાના દિનારાનો વ્યક્તિ સ્વદેશમાં પ્રવેશ કર્યો હતો. 28મી ઓગસ્ટ 2008ના રોજ નાના દિનારા ગામનો ઇસ્માઇલ સમા ઢોર ચરાવતી વખતે ઓચિંતા ગુમ થઇ ગયો હતો,

પરિજનોને લાગ્યુ કે ઇસ્માઇલ માર્ગ ભુલી ગયો છે અને પાકિસ્તાન તરફ ચાલ્યો ગયો હશે અથવા તો પાકિસ્તાની રક્ષકોએ તેનું અપહરણ કરી લીધું હશે. એકાદ દાયકા સુધી કોઇ સમાચાર મળ્યા ન હતા બાદમાં 2017માં ઇસ્માઇલ વીશે સમાચારો મળ્યા. જેમાં પાકિસ્તાનની કરાચીની જેલમાંથી છુટી આવેલા કચ્છના જ રીફક જતે ઇસ્માલ પણ કરાચીની જેલમાં હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેના પગલે પરિવારજનો અને ભારત સરકારે ઇસ્માઇલને પરત લાવવાના પગલા શરૂ કર્યા હતા. તેવામાં આખરે ઇસ્માઇલનો સૌથી મોટા પુત્ર અતાઉલ્લા પાસે તેનો ફોન હતો, જે ગુમ થયો ત્યારથી તેની પાસે જ હતો.

તેના પિતાના નંબર પર ફોન આવ્યો કે, શુક્રવારે સાંજે અમૃતસર વાઘા બોર્ડર પર તેના પિતાને મુક્ત કરવામાં આવશે. નોંધનીય છે કે, કુલભૂષણ જાધવ કેસમાં 2 જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન ભારતે ઇસ્લામાબાદ હાઈકોર્ટના ધ્યાને લીધું હતું કે ઇસ્માઇલ સમાને તેની જેલની સજા પુર્ણ કરી હોવા છતાં પણ પાકિસ્તાનની જેલમાં કેદ કરી રખાયો છે. હાઈકોર્ટે 14 મી જાન્યુઆરીએ આ મામલે ફરીથી સુનાવણી કરતી વખતે, ઇસ્માઇલની 22 જાન્યુઆરીના રોજ મુકત કરવાનો આદેશ આપ્યો હતો.