વડોદરા કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જીવનમાં પોતાના ઘરની સાફસફાઈ માટે પણ ઝાડું પકડ્યું નહીં હોય, પણ વોર્ડ ઓફિસરોની નિષ્ક્રિયતાને કારણે આજે એમને હાથમાં સાવરણી પકડવાનો વારો આવ્યો હતો. આજે એમની સિમ્બોલિક સફાઈ ઝુંબેશ એટલા માટે મહત્ત્વની હતી કારણ કે, ત્યાં ખરેખર સફાઈની જરૂર હતી. આજે તેમણે શહેરના સીમાડે આવેલા વાઘોડિયા, આજવા અને કપૂરાઈ જેવા પ્રવેશદ્વારો પર સ્વચ્છતા કરી અને કરાવી હતી. આજે સવારે સાડા આઠ વાગ્યે શહેરના એન્ટ્રિ પોઈન્ટ પર સફાઈ અભિયાનમાં શ્રમદાન આપવા માટે ડે.મેયર ચિરાગ બારોટ, સ્થાયી અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રી, દંડક શૈલેષ પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાથમાં ઝાડું પકડીને સાફસફાઈ કરવાનું શ્રમદાન આપતી એમની તસવીરો ખૂબ સરસ લાગતી હતી. કોર્પોરેશનના શાસકોના આવા જ શ્રમદાનની તુલસીવાડી, બકરાવાડી, યાકુતપુરા, ગોલવાડ, ગાજરાવાડી, સોમાતલાવ, અલવાનાકા, વડસર,

પેન્શનપુરા, નવાયાર્ડ, સહયોગમાં જરૂર છે, અને જાે, સવાર-સવારમાં આવા શ્રમદાનો આખાય શહેરમાં શરૂ થઈ જાય તો સાંજ સુધી તો શહેર ચોખ્ખુંચણાક જ રહે એ વાત નક્કી છે. ખેર! આવતીકાલે એરપોર્ટ પાસેના માણેક પાર્ક સર્કલથી સોમા તળાવ સુધી સ્વચ્છતા ઝુંબેશ છેડાશે, જેમાં શહેરના મેયર પિંકીબેન સોની, ડે. મેયર ચિરાગ બારોટ સહિતના મહાનુભાવો હાથમાં ઝાડું લઈને સાફસફાઈ કરશે. આશા છે કે, આવતીકાલે પણ બધાય નેતાઓની તસવીરો સારી આવે.

આમને જાેઈને કાલથી સાચુંકલા સફાઈસેવકો પણ ચોખ્ખા રોડ પર જ ઝાડું ફરવશે!

શહેરમાં હજી જાેઈએ એટલી ક્લિનીનેસ નથી તેવું સ્પષ્ટ બોલનારા સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હાથમાં ઝાડુ લઈને હળવા મૂડમાં વાતો કરતા તસવીરમાં નજરે પડે છે. એમના હાથમાં ઝાડુ જાેઈને કદાચ કચરો આપોઆપ દૂર થઈ ગયો હશે એટલે, તેઓ જ્યાં ફોટા પડાવી રહ્યા છે ત્યાંનો રોડ ચોખ્ખોચણાક છે. તેમને ખબર નથી કે, સાફસફાઈની જરૂર તો એમની ઓફિસની પાછળ ખંડેરાવ માર્કેટ પાસે છે.

વડોદરા કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની ઝૂંબેશની સફળતા કડક બજાર પાસે મુકાયેલી આ કચરા પેટીની તસવીર પરથી ખબર પડે છે. જ્યારથી ડોક્ટર સાહેબે, શહેરને સ્વચ્છ રાખવાની હાકલ કરી છે ત્યારથી કડક બજાર વિસ્તારના સફાઈ સેવકો એ એટલો કચરો ભેંગો કર્યો હતો કે એનાથી આખેઆખી કચરા પેટી છલકાઈ ગઈ હતી. પણ કચરા પેટીની આસપાસના કચરાને ગંદકીમાં ગણવી કે નહીં એની મુંઝવણને કારણે આવી સ્થિતિ સર્જાઈ છે. ખેર, શહેરને સ્વચ્છ રાખવાના ડોક્ટર સાહેબના બીજા ટ્રેનિંગ સેશનમાં કચરા પેટીની આસપાસ ફેલાયેલી ગંદકીનું શું કરવું ? તેની જાણકારી આપવામાં આવશે.

વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા વાસ તળાવની આ તસવીર છે. અહીંના પાણીમાં એટલો કચરો છે કે, એનુ નામ વાસ તળાવથી બદલીને કચરા તળાવ રાખવુ પડે એવો ઘાટ છે. આ વિસ્તારના વોર્ડ ઓફિસરને અમારી નમ્ર અરજ છે કે, અમારું નહીં તો સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીનું માનીને એક વખત આ તળાવની મુલાકાત લો. અમારી ગેરન્ટી છે કે, આપણું શહેર સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે એ વાત તમને હકીકતમાં ખોટી લાગશે.

કોર્પોરશનના કમિશનર દિલીપ રાણા શનિવારે હાથમાં ઝાડુ પકડીને હાઈવે પર કચરો વાળતા જાેવા મળ્યા હતા. તસવીરમાં તેમની સફાઈ ઝૂંબેશ ખરેખર સરાહનીય લાગતી હતી. પણ જ્યારે લાલબાગ બ્રીજની નીચેથી અમે પસાર થયા ત્યારે અહીં રેનબસેરાની બાજુના ખાબોચિયાએ વડોદરાની સ્વચ્છતાની પોલ ખોલી નાંખી હતી. ખેર, લાલબાગ ઓવરબ્રીજની નીચે ગંદકી તો સ્પષ્ટ દેખાતી હતી પણ એની બાજુમાં રોટલો ઘડતી મહિલાની મજબૂરી અને ગરીબાઈ પણ ડોકાતી હતી.