લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, માર્ચ 2026 |
2277
સુરક્ષા એજન્સીઓએ દિલ્હી બોર્ડર પરથી લશ્કર-એ-તૈયબાના આતંકી શબ્બીર અહમદ લોનની ધરપકડ કરવામાં મોટી સફળતા મેળવી છે. આ આતંકી બાંગ્લાદેશમાં રહીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના ઈશારે લશ્કરનું નવું મોડ્યુલ તૈયાર કરી રહ્યો હતો. દિલ્હી પોલીસ અને સુરક્ષા દળોએ મળેલી ગુપ્ત માહિતીના આધારે જાળ બિછાવીને તેને દિલ્હી બોર્ડર પરથી દબોચી લીધો છે. તે ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવાના મિશન પર હતો. હાલ એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે કે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તેના અન્ય કેટલા સાથીઓ છુપાયેલા છે.શબ્બીર અહમદ લોન સુરક્ષા એજન્સીઓ માટે નવું નામ નથી. આ અગાઉ વર્ષ ૨૦૦૭માં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તેને એકે-૪૭ અને ગ્રેનેડ જેવા ઘાતક હથિયારો સાથે પકડ્યો હતો. તે સમયે પણ તેના તાર સીધા હાફિઝ સઈદ સાથે જાેડાયેલા હતા. આ ગુનામાં તે વર્ષ ૨૦૧૮ સુધી દિલ્હીની તિહાર જેલમાં સજા કાપી ચૂક્યો છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તે ફરી સક્રિય થયો હતો અને બાંગ્લાદેશને પોતાનું નવું ઠેકાણું બનાવીને ભારત વિરોધી ઓપરેશન હેન્ડલ કરવા લાગ્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી અને દક્ષિણ ભારતમાંથી લશ્કરના અન્ય મોડ્યુલનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો હતો.