વડોદરા, તા. ૧૩

રાજ્યભરમાં વરસાદી આગાહીઓ વચ્ચે દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદે વિરામ લેતા શહેરીજનો અસહ્ય બફારામાં બફાયા હતા. પરતું સમી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકી પડતા સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી હતી. એકાએક મૂશળધાર વરસાદ વરસતા અનેક શહેરીજનો રસ્તામાં અટવાઈ ગયા હતા. તો બીજી તરફ નવરાત્રીના તહેવારને ગણતરીના દિવસો બાકી હોવાથી કારીગરો દ્વારા ગરબા ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ શરુ કરવામાં ઓઆવી હતી. પરતું ધોધમાર વરસાદને પગલે સમગ્ર તૈયારીઓ પર પાણી ફરી વળ્યું હતું. ગરબા ગ્રાઉન્ડમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા.

સમીસાંજે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી જતા શહેરીજનોએ રાહત અનુભવી હતી. બીજી તરફ બે વર્ષ બાદ નવરાત્રીનો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે એકાએક ધોધમાર વરસાદ ખાબકતા ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા. આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર તૈયારીઓ શરુ કરી દેતા વરસાદને કારણે તમામ તૈયારીઓ પર પાણી ફરી વળ્યું હતું. તહેવારોને કારણે અનેક લોકો સાંજ દરમ્યાન ખરીદી માટે બજારોમાં જતા એકાએક વરસાદ વરસતા રસ્તામાં જ અટવાઈ ગયા હતા.