ક્વેટા:પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટેનને હાઈજેક કરી લેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ હુમલાને અંજામ આપનાર બળવાખોર જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મી સામે પાકિસ્તાની સૈન્ય જાણે લાચાર દેખાઈ રહ્યું છે.
બીએલએ દ્વારા હવે ચીન અને પાકિસ્તાનને સીધી ધમકી અપાઇ છે. તેમનું કહેવું છે કે ચીન અને પાકિસ્તાનના લોકો તેમના જીવ બચાવવા માગતા હોય તો બલૂચિસ્તાન છોડીને જતા રહે. જાફર એક્સપ્રેસમાં ૫૦૦થી વધુ મુસાફરો સવાર છે જેમાં સૈન્ય અધિકારીઓની સંખ્યા વધારે છે. ૧૮ કલાક વીતી જવા છતાં હજુ સુધી તમામ બંધકોને મુક્ત કરાયા નથી. બીજી તરફ અહેવાલ આવ્યા હતા કે, પાક. સૈન્યએ ૧૦૪ બંધકોને મુક્ત કરાવી લીધા છે. દરમિયાન ૧૬ આતંકી ઠાર મરાયાનો દાવો કરાયો હતો. જ્યારે બીએલએએ દાવો કર્યો હતો કે, તેમને પાક. સૈન્યના ૩૦ જવાનોને ઠાર કરી દીધા હતા.
બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી અશાંત પ્રાંત છે. ૧૯૪૮થી બલૂચ અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણો થઈ રહી છે. બલૂચિ લોકો લાંબા સમયથી પાકિસ્તાનથી અલગ થવાની માગ કરી રહ્યા છે.
ટ્રેન હાઇજેક માટે ભારત જવાબદાર : પાક.નો દાવો
પાકિસ્તાનમાં બલૂચ વિદ્રોહીઓ દ્વારા મંગળવારે ટ્રેન હાઇજેક કરાઇ હતી. જેમાં અંધાધૂધ ગોળીબારના કારણે ઘણા મુસાફર ઘવાયા હતા. આતંકી હુમલા મુદ્દે પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે દાવો કર્યો હતો કે, આ હુમલા પાછળ ભારતનું ષડયંત્ર છે. અફઘાનિસ્તાનમાંથી ભારત આ હુમલાઓ ઓપરેટ કરી રહ્યું છે.