બીસીએમાં પૂર્વ સેક્રેટરી દ્વારા બોલાવવામાં આવેલી બેઠક પર કાનૂની સવાલો ઉઠાવ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026  |   વડોદરા   |   1782

બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)માં ચાલી રહેલા વહીવટી વિવાદને વધુ વેગ મળ્યો છે. બીસીએના પૂર્વ સેક્રેટરી અજીત લેલે દ્વારા ૩ એપ્રિલે એપેક્સ કાઉન્સિલના કેટલાક સભ્યોની બેઠક બોલાવવાના ર્નિણય સામે આકરો વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કલ્યાણ હરિભક્તિ દ્વારા આ મામલે લેખિત રીતે નોંધ લઈ જણાવાયું છે કે આ બેઠક સંપૂર્ણપણે ગેરકાયદેસર અને અધિકારવિહીન છે.

પત્રમાં જણાવાયું છે કે અજીત લેલેનો સેક્રેટરી તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે અને તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોની ગણતરી તથા જાહેરાત હજુ બાકી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ૧૮ ફેબ્રુઆરી અને ૧૬ માર્ચ ૨૦૨૬ના રોજ આપેલા આદેશ મુજબ હાલ બીસીએના કાર્યો સંભાળવાનો અધિકાર માત્ર કોર્ટ દ્વારા નિમણૂક કરાયેલ કેરટેકર બોડી પાસે જ છે.

આ પરિસ્થિતિમાં પૂર્વ સેક્રેટરી દ્વારા એકતરફી રીતે બેઠક બોલાવવી કોર્ટના આદેશોની ખુલ્લી અવગણના ગણાવી છે. વધુમાં આ બેઠકમાં પાછલી તારીખથી મંજૂરી આપવી, કરારો વધારવા, નિમણૂકો કરવા જેવા મહત્વના ર્નિણયો લેવામાં આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરી તેને “માલાફાઈડ ઈન્ટેન્ટ” તરીકે વર્ણવવામાં આવ્યું છે. પત્રમાં આ પણ ઉલ્લેખ કરાયો છે કે તાજેતરની ચૂંટણીમાં ભાગ લેનાર કેટલાક ઉમેદવારોએ પણ હાઈકોર્ટના આદેશોના કડક પાલનની માંગણી કરી છે. ઉપરાંત, આ સમગ્ર મામલો હાલ લેટર્સ પેટન્ટ અપીલ હેઠળ છે અને ૭ એપ્રિલે તેની સુનાવણી થવાની છે, જેને કારણે મુદ્દો સબ જ્યુડિસ છે. અંતમાં કલ્યાણ હરિભક્તિએ પૂર્વ સચિવને તાત્કાલિક આ બેઠક ન બોલાવવા તથા કોઈપણ પ્રકારના ગેરકાયદેસર પગલાંથી દૂર રહેવા ચેતવણી આપી છે. જાે તેમ છતાં બેઠક યોજાશે તો તેમાં લેવાયેલા તમામ ર્નિણયો અમાન્ય ગણાશે અને કાનૂની પડકારનો સામનો કરવો પડશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે. બીસીએમાં ચાલી રહેલા આ વિવાદથી સંસ્થા ના વહીવટ અને ભવિષ્ય અંગે ફરી એકવાર અનિશ્ચિતતા સર્જાઈ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution