ગુજરાતી ઘરમાં રોજ દાળ બને તે સ્વાભાવિક છે. પરંતુ જો તમે રોજ એકની એક ગુજરાતી દાળ ખાઈને કંટાળી ચૂક્યા છો તો તમે આ સરળ એવી દાલ ફ્રાયની રેસિપી ટ્રાય કરી શકો છો. તેના માટે તમારે કંઈ ખાસ કરવાનું નથી. પણ તેનો ટેસ્ટ ખૂબ જ અલગ અને સ્વાદિષ્ટ હોય છે. તે તમારા ડિનરની મજા વધારી દે છે. આ સાથે જ તેમાં 2થી 3 દાળ મિક્સ હોવાના કારણે તેમાંથી વધારે પ્રોટીન્સ અને વિટામીન્સ પણ સરળતાથી મળી રહે છે. તો આજે જ તમારી રસોઈમાં કરી લો ટ્રાય.

દાલ-ફ્રાય

સામગ્રી: 

4 ચમચા તુવેર દાળ,6 ચમચા ચણા દાળ,6 ચમચા મગદાળ,6 ચમચા મસુર દાળ,3 કપ પાણી ,2 ટામેટા સમારેલા,2 મોટી ડુંગળી,8 લસણની કળી,1 ઈંચ આદુનો ટુકડો,4 લીલા મરચા,4 ચમચા ઘી,6 લવિંગ,1ઈંચ તજનો ટુકડો,1 ચમચી જીરું,4 સુકા લાલ મરચા,1/2 ચમચી ગરમ મસાલો,1/2 ચમચી હળદર,1 ચમચી લાલ મરચું,2 ચમચી ધાણાજીરું,મીઠું સ્વાદ અનુસાર,4 ચમચા સમારેલી કોથમીર.

રીત:

બધી દાળને ધોઈને દસ મિનિટ પલાળી રાખો. પલળી જાય એટલે તેને કુકરમાં દાળ, મીઠું અને દોઢ કપ પાણી રેડીને મધ્યમ તાપે ચાર સીટી વાગે ત્યાં સુધી બાફો. પછી ગેસ બંધ કરી દો અને કુકરમાંથી જાતે વરાળ નીકળી જાય ત્યાં સુધી ખોલો નહીં.

આ રીતે કરો વઘાર:

હવે એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં જીરું, સુકા લાલ મરચા, તજ અને લવિંગનો વઘાર કરો. પછી તેમાં ડુંગળી ઉમેરીને મધ્યમ તાપે સાંતળો. એક મિનિટ સાંતળી લો પછી તેમાં આદુ, લસણ અને લીલા મરચા ઉમેરીને સાંતળો. પછી તેમાં ટામેટા અને મીઠું ઉમેરો. ટામેટા થોડા પાકી જાય એટલે તેમાં ગરમ મસાલો, ધાણાજીરું, લાલ મરચુ અને હળદર અને દાળ ઉમેરીને મિક્સ કરો. હવે તેમાં લીંબુનો રસ અને પોણો કપ પાણી રેડો અને મધ્યમ તાપે પાંચ મિનિટ પકાવો. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો. તૈયાર છે દાલ તડકા. તેને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.