નવી શિક્ષણ નીતિથી શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરીએ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, સપ્ટેમ્બર 2020  |   2970

વડગામ : પાલનપુરમાં બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાના ૪ અને તાલુકા કક્ષાના ૨૨ મળી કુલ- ૨૬ શ્રેષ્ઠ શિક્ષકોનું પારિતોષિક આપી, શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.આ પ્રસંગે સાંસદ પરબત પટેલે પારિતોષિક મેળવનાર શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, કોઇપણ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રનો વિકાસ શિક્ષણ સિવાય શક્ય જ નથી ત્યારે બાળકોના ઘડતર અને ઉજ્જવળ ભવિષ્યઇના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે નવી શિક્ષણ નીતિ લાવી છે. નવી શિક્ષણ નીતિના માધ્યમથી શક્તિશાળી નાગરિક, સમાજ અને રાષ્ટ્ર નું નિર્માણ કરીએ તેમ સાંસદે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બાળકોના શિક્ષણ સાથે સમાજજીવન ઘડતરનું સમાજને નવી દિશા આપવાનું કામ શિક્ષકો કરે છે. તેમણે જણાવ્યું કે, આપણને સ્વતંત્રા મળી તેના પછી શિક્ષણ અને ટેકનલોજીનો ખુબ વ્યાપ વધ્યો છે. તેમણે ઉમેર્યુ કે ભૂતકાળમાં પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઇ છે.  

છેલ્લા બે દાયકામાં સમગ્ર રાજયમાં ઠેર ઠેર શિક્ષણની વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ બનવાતા શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. સાંસદે શિક્ષકોને સંબોધન કરતાં કહ્યું કે, અંતરીયાળ વિસ્તારના ગામડાઓની શાળાઓમાં ભણતા બાળકોના કૌશલ્યને વિકસાવવાનું કામ શિક્ષકો કરે છે.

 તેમણે ઉમેર્યુ કે છેવાડાના વિસ્તારના બાળકોને પણ સારુ શિક્ષણ મળે તે માટે શાળાના ઓરડાઓ, કોમ્પ્યુ ટર, ક્વોલીફાઇડ શિક્ષકો સહિત ઘણી સવલતો શાળાઓમાં ઉપલબ્ધ બનાવાઇ છે. સમૃધ્ધ સમાજનું નિર્માણ થશે. બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી લક્ષ્મીબેન કરેણે પારિતોષિક મેળવનાર શિક્ષકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ ર્ડા. રાધાકૃષ્ણંનના જીવનમાંથી પ્રેરણા મેળવી કર્મના સિધ્ધાંતના આધારે બાળકોનું ઘડતર કરી મજબુત રાષ્ટ્રનું નિર્માણ કરીએ. આ પ્રસંગે ૧૫ ઓગષ્ટની ઉજવણી દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ૪ શિક્ષકો અને ઓનલાઇન સ્પર્ધાઓમાં વિજેતા વિધાર્થીઓના આચાર્યઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution