28, એપ્રીલ 2021
1386 |
નવી દિલ્હી
ભારતમાં ઓક્સિજનની અછત ઘણા દિવસોથી ચાલી રહી છે, જેને પગલે અનેક લોકોએ જીવ ગૂમાવ્યો છે ત્યારે મોડા મોડા જાગેલી સરકાર હવે વિદેશથી ઓક્સિજન ટેંકર મગાવી રહી છે. આવા જ કેટલાક ટેંકર થાઇલેંડ, સિંગાપોર, દુબઇથી આવી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર હાલ થાઇલેન્ડથી ટેંકરોનું એક કન્સાઇન્મેન્ટ ભારત પહોંચી ગયું છે. જ્યારે સિંગાપોર અને દુબઇથી વધુ કેટલાક ટેંકર મગાવવામાં આવી રહ્યા છે. બેંગકોકથી પણ ઓક્સિજન ટેંકરોને હવાઇ માર્ગેથી લાવવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આગામી સાત દિવસમાં અનેક દેશોમાંથી ઓક્સિજન કન્ટેનર આવી રહ્યા છે. એર ઇન્ડિયાની મદદથી આ કન્ટેનર લાવવામાં આવી રહ્યા છે. ફિલિપ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા આશરે ૧૦૬૩૬ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભારત લાવવામાં આવશે. જ્યારે અમેરિકાથી ૬૩૬ કંસંટ્રેટર આવી રહ્યા છે.
દરરોજ કોન્સન્ટ્રેટર લઇને એર ઇન્ડિયા આવી રહી છે અને એક સપ્તાહની અંદર પુરતા કોન્સન્ટ્રેટર ભારત પહોંચી જશે. જેનો ઉપયોગ ઓક્સિજન આપવામાં કરવામાં થશે. બીજી તરફ યુએન જનરલ એસેમ્બ્લી પ્રમુખ વોલકન બોઝકિરે કહ્યું હતું કે ભારતને મદદ કરવા માટે વિશ્વએ આગળ આવવાનો સમય આવી ગયો છે. બેંગકોંગથી ઑક્સિજન ટેન્કો લઈને વાયુસેનાનું વિમાન ભારત આવ્યું હતું.