સ્વસ્થ અને તંદુરસ્ત ભાવિ માટે મિલેટને જીવનશૈલી બનાવીએ: જગદીશ વિશ્વકર્મા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, માર્ચ 2026  |   2079

અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ પૂર્વ સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના હસ્તે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૃષિ અને પશુપાલન રાજ્યમંત્રી રમેશ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડિયો સંદેશ દ્વારા સૌને મિલેટ મહોત્સવના પ્રારંભે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રાજ્યના સૌ નાગરિકોને ‘શ્રી અન્ન’નો ઉપયોગ વધારીને તંદુરસ્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ‘મિલેટ’ એ માત્ર આહાર નથી, પરંતુ તંદુરસ્ત જીવનશૈલી અને ખેડૂતોની સમૃદ્ધિનું પ્રતીક છે. તે શરીર માટે અત્યંત ગુણકારી અને પચવામાં હળવા હોય છે. દેશના સૌ નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘શ્રી અન્ન’ (મિલેટ) અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં યોજાઈ રહેલાં મિલેટ મહોત્સવ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પણ આ અભિયાનને વેગ આપવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જેના ભાગરૂપે રાજ્યનાં ૧૭ મહાનગરોમાં આ મહોત્સવ યોજાઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વર્ષ ૨૦૨૩ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે ઉજવવામાં આવ્યું હતું. આ મહોત્સવ દ્વારા બાજરી, જુવાર, રાગી, નાગલી, કાન અને મોરૈયા જેવા પોષક તત્ત્વોથી ભરપૂર ‘શ્રી અન્ન’નો ખોરાકમાં ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution