વડોદરા, તા.૧૭

ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાંથી ગેરકાયદે રેતી અને માટી મોટાપાયે ખનન મામલે સ્થાનિક ગ્રામ્યજનોમાં રોષ જાેવા મળી રહ્યો છે. ગામના સ્થાનિકો દ્વારા વિરોધ સાથે રેતીખનન અને માટી ખોદાણ જ્યાં થઇ રહ્યું હતું તે સ્થળે પહોંચી ગયા હતા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા હલ્લાબોલ કર્યું હતું. ગામલોકો મોટી સંખ્યામાં એકત્રિત થઇ ગયા હતા અને ઓરસંગ નદી બચાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા.

ડભોઇ તાલુકાના કરણેટ ગામે ઓરસંગ નદીના પટમાંથી રેતીમાફિયાઓ દ્વારા રેતીની સાથે સાથે કિનારાની ભેખડો તોડી ગેરકાયદે થતા રેતીખનન મામલે અનેકવાર જિલ્લાના ખાણ-ખનીજ વિભાગને રજૂઆત કરી હતી. સ્થાનિક વહીવટીતંત્રને પણ આ ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે જાણ કરવામાં આવી હતી. પરંતુ ખાણ અને ખનીજ વિભાગ સહિત સ્થાનિક વહીવટીતંત્ર પણ આંખ આડા કાન કરતાં છેવટે સ્થાનિકોએ હલ્લાબોલ કરી વિરોધ શરૂ કર્યો છે અને તંત્ર અને ભુમાફિયાઓ વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો છે.

કરણેટ ગામના સ્થાનિકોએ ગંભીર આરોપ કરતાં જણાવ્યું હતું કે ડભોઇ તાલુકાના કરણટ ગામે ઓરસંગ નદી પટમાંથી ગેરકાયદે મશીન મૂકી રેતી અને ભેખડોમાંથી માટીનું ખનન કેટલાક તત્વો કરી રહ્યા છે. ગામલોકોએ ભૂમાફિયાઓને ભેખડો નહીં ખોદવા અંગે જણાવતાં ગ્રામજનોને ધમકીઓ આપી હોવાના આરોપ પણ સ્થાનિકોએ કર્યા હતા.

તંત્ર સાથે ભાગીદારી હોવાનું માથાભારે ભૂમાફિયાઓ જાહેરમાં બોલીને વટ મારતા હોવાથી ગ્રામજનોમાં રોષ જાેવા મળતો હતો. નદીના પટમાંથી રેતી અને માટી ઉદ્યોગો માટે ગેરકાયદે રીતે રાત્રિના ૧૨ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી હિટાચી મશીન મૂકી ગેરકાયદે પાસ પરમિટ વગર કેટલાક માથાભારે ભૂમાફિયા બિન્દાસપણે રેતીખનન કરતાં હોવાનો આરોપ પણ સ્થાનિકોએ કર્યો હતો. ગામ નજીક ભેખડો આવેલી હોય માટીની આ ભેખડો પણ ખોદી નાખતા મૂંગા પશુ-ઢોરઢાંખરને નદીમાં પાણી પીવડાવવા અથવા ચરાવવા જવાની પણ મુશ્કેલી ઊભી થાય છે અને પશુઓને છાંયડામાં બેસવાની જગ્યા જે મોટી સંખ્યામાં વૃક્ષો હતા તે પણ કાપી નાખવામાં આવ્યા હતા, જેથી સમગ્ર ગામજનો દ્વારા આનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાણ-ખનીજ વિભાગ અને લાગતાવળગતા અધિકારીઓ ગેરકાયદે મશીનો ઓરસંગ નદીમાં ઉતારી સરકારને નુકસાન કરતાં તાત્કાલિક તેમની સામે પગલાં ભરે તેવી રજૂઆતો કરવા છતાં આજદિન સુધી ગેરકાયદે કામ અટકાવવા માટે કોઇ પગલાં લેવામાં આવ્યા નથી, છેવટે આજે વહીવટીતંત્રનું ધ્યાન ખેંચવા સ્થાનિકોએ નદીના પટમાં જઇને હલ્લાબોલ કર્યું હતું.