ગાંધીનગર-

રાજ્યમાં કોરોના કાળ દરમિયાન વિધાનસભાની ૮ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંક્રમણને કારણે પાછી ઠેલવામાં આવી હતી. હવે સ્થાનિક ચૂંટણીઓની જાહેરાત આગામી ૨૧ જાન્યુઆરીની આસપાસ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ચૂંટણીઓ ગત ટર્મની જેમ બે તબક્કામાં યોજાઈ શકે છે. પહેલાં તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર- એમ ૬ મહાનગરપાલિકાઓ અને બીજા તબક્કામાં ૮૧ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો માટે ચૂંટણીઓ થશે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ફેબ્રુઆરીના અંત પહેલાં પૂરી થાય તે માટે તૈયારીઓ શરુ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં વહીવટદારના મૂકી શકાય કે ટર્મ વધારો ના કરી શકાય તો શું કરવું તે બાબતે રાજ્ય સરકારે ગત નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન માગેલું ત્યારે એ હુકમમાં ત્રણ માસ ચૂંટણીઓ મુલતવી રાખવા અને ત્યાં સુધી વહીવટી વડાને વહીવટ કરવાની મંજૂરી આપવા સાથે સર્વોચ્ચ અદાલતે ફેબ્રુઆરીના અંત પહેલા બધી જ પ્રક્રિયા પૂર્ણ કરવાનો સ્પષ્ટ આદેશ આપેલો જ છે. આ સંજાેગોમાં ૨૧થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન બંને તબક્કામાં મતદાન યોજાવાની શક્યતા છે. રાજ્ય ચૂંટણી પંચ આ વખતે કોઈપણ વોર્ડ બેઠક માટે ઓનલાઇન વોટિંગનો વિકલ્પ આપવાનું નથી, પરંતુ ઉમેદવારોને કોરોના મહામારીની સ્થિતિમાં ઓનલાઇન ફોર્મ ભરવાની છૂટ અપાશે.

અગાઉ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ફેબ્રુઆરીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે મહાનગરપાલિકાઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇલેક્શન કમિશનર દ્વારા ઇલેક્શન સ્ટાફને ટ્રેનિંગ પૂરી પાડવામાં આવી હતી. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીર કે. પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે, ત્યારે તૈયારીના ભાગરૂપે આ મિટીંગ યોજવામાં આવી હતી. મતદાર યાદી અને તેના ભાગો કેવી રીતે તૈયાર કરવા તેની ચર્ચા વિચારણા કર્યાં બાદ યાદી જાહેર જનતા તથા રાજકીય પક્ષોને માટે પ્રસિદ્ધ કરાશે. અને તેઓની રજૂઆત બાદ યાદીમાં સુધારો વધારો હાથ ધરાશે.