હિન્દુ પંચાગ અનુસાર, બીજો મહિનો વૈશાખ હોય છે. આજે એટલે કે 28 એપ્રિલ, 2021થી વૈશાખ મહિનો શરૂ થયો છે જે 26 મેના રોજ સમાપ્ત થશે. વૈશાખને ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો માનવામાં આવે છે. તેથી આ મહિનાને સૌથી શુભ માનવામાં આવે છે. વિશાખ નક્ષત્ર સાથે સંબંધ હોવાને કારણે તેને વૈશાખ મહિનો કહેવામાં આવે છે. આ મહિનામાં ખાસ કરીને ગંગામાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. જોકે, કોરોના મહામારીના કારણે તમે ઘરે જ પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરી શકો છો.
વૈશાખ મહિનાનું મહત્વ
જ્યોતિષ શાસ્ત્રો મુજબ, ભગવાન બ્રહ્માએ આ મહિનાને ઉત્તમ ગણાવ્યો છે. આ મહિનામાં સ્નાન, દાન-પુણ્ય, યજ્ઞ અને તપસ્યા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.
વૈશાખ મહિનામાં વ્રત અને તહેવાર
આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને પરશુરામની પૂજા કરવામાં આવે છે. આ મહિનામાં શુક્લ પક્ષની દસમી તિથિએ ગંગા જયંતી ઉજવવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે માતા ગંગા સ્વર્ગ લોકથી ભગવાન શિવની જટાઓમાં આવ્યા હતા. આ સિવાય ભગવાન બુદ્ધ અને પરશુરામનો જન્મ પણ થયો હતો. આ મહિનામાં તલનું વિશેષ મહત્વ છે. ધન અને સંપત્તિનો પર્વ અક્ષય તૃતીયા પણ આ મહિનામાં જ આવે છે.
વૈશાખ મહિનામાં ખાન-પાન
આ મહિનામાં ઘણી ગરમી હોય છે. તેથી મોસમી બીમારીઓનું જોખમ વધે છે. આ મહિના દરમિયાનમાં જ્યુસનું વધુ સેવન કરવું જઈએ. સંભવ હોય તો રસદાર ફળોનું સૌથી વધુ સેવન કરવું જોઈએ.