વડોદરા, તા. ૧૮

શહેર નજીક પાદરા તાલુકાના ચોકારી ગામમાં અન્ય જ્ઞાતીની યુવતી સાથે પ્રેમસંબંધ રાખવાના મુદ્દે ઉશ્કેરાયેલા યુવતીના પિતા સહિતના પરિવારજનોએ પ્રેમીયુવકને ઘરમાંથી ઢસડીને માર મારતા પોતાની ઘર પાસે લઈ ગયા બાદ યુવકને જાબુંડીના ઝાડ સાથે બાંધીને તેને લાકડીના ફટકા અને ગુપ્તાંગના ભાગે લાતો મારીને હત્યા કરવાના બનાવથી ચકચાર મચી છે. પ્રેમપ્રકરણમાં તાલીબાનો જેવી સજા આપી યુવકની જાહેરમાં હત્યા કરવાના બનાવના પગલે જિલ્લા પોલીસ તંત્ર દોડતુ થયું હતું અને પોલીસે ચાર હુમલાખોરને ઝડપી પાડ્યા હતા.

ચોકારી ગામના શાહપુરામાં રહેતા રમીલાબેન મેલાભાઈ રાવળે ગત રાત્રે વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘ હું મારા પતિ અને બે પુત્રો ૨૦ વર્ષીય જયેશ અને ૧૭ વર્ષીય રાહુલ સાથે રહું છું અને મારા પતિ દિવેલ-કોપરેલનો વ્યવસાય કરે છે. મારા પુત્ર જયેશને અમારા ગામના માળીવાસમાં રહેતા કાળિદાસ મોહન માળીની પુત્રી સાથે પ્રેમસંબંધ હતો જે મુદ્દે બે માસ અગાઉ કાળીદાસે મારી ઘરે આવી મને ધમકી આપી હતી. આજે બપોરે અમે પરિવારજનો ઘરે બેઠા હતા સમયે જયેશ દોડતો દોડતો ઘરે આવતા જ તેની પાછળ કાળિદાસ માળી, તેનો પુત્ર કિરણ તેમજ ભાઈ રમેશ અને પિતા મોહન બેચરભાઈ માળી હાથમાં લાકડીઓ લઈ અમારી ઘરે ધસી આવ્યા હતા અને કાળિદાસે ‘ તું મારી પુત્રી આરતી સાથે કેમ પ્રેમસંબંધ રાખે છે ? ’ તેમ પુછ્યું હતું. જાેકે જયેશે મારે તમારી દિકરી સાથે કોઈ પ્રેમસંબંધ નથી, તમે ખોટો વ્હેમ ના રાખો તેમ કહેતા આ ચારેય જણા ઉશ્કેરાઈને તેની પર લાકડીઓ લઈ તુટી પડ્યા હતા. આ ચારેય જણા તેને માર માર્યા બાદ ફેંટ પકડીને તેઓના ઘરની સામે આંગણમાં લઈ ગયા હતા જયાં તેઓએ જયેશને લાકડીના ફટકા માટે તેના બંને હાથ દોરી વડે જાંબુડીના ઝાડ સાથે બાંધી દઈ દીધા હતા. મારા પુત્રને બચાવવા માટે હું ત્યાં જતાં આ ચારેય જણા પૈકી કાળીદાસે ‘ આજે તો આને પુરો જ કરી નાખ’ તેમ કહી ચારેય જણાએ વારાફરતી જયેશના શરીરે લાકડીના ફટકા મારી તેમજ ગુપ્તાંગના ભાગે લાતો ઝીંકી હતી. જયેશે બુમરાણ કરતા મારા પુત્ર,ભત્રીજા અને દિયર ત્યાં દોડી જતાં ચારેય જણા લાકડીઓ લઈ ફરાર થયા હતા. અમે જયેશને મુક્ત કરાવ્યો હતો પરંતું તે હલનચલન કરતો ન હોઈ તેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં વડુ સરકારી દવાખાને લાવેલા જયાં ડોક્ટરે જયેશને મરણ પામલે જાહેર કર્યો હતો.’

આ ફરિયાદના પગલે પોલીસે કાળીદાસ મોહન માળી તેમજ તેના ભાઈ રમેશ, પુત્ર કિરણ અને પિતા મોહન સામે ગુન્હાહીત કાવત્રુ રચીને અપહરણ કર્યા બાદ હત્યા કરવાનો ગુનો નોંધ્યો હતો. યુવકની તાલીબાનોની જેમ સજા આપવા માટે જાહેરમાં હત્યાના બનાવના પગલે જિલ્લા પોલીસ તંત્ર દોડતુ થયું હતું અને પોલીસે આજે ચારેય હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા. આ બનાવના ફરી હિંસક પડઘા ના પડે તે માટે ચોકારી ગામમાં પોલીસ બંદોસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આરતીની માતા જયેશ-આરતીને વાત કરતાં જાેઈ જતાં મામલો બિચક્યો

ગઈ કાલે બપોરના સમયે જયેશ આરતી માળી સાથે તેના ખેતર પાસે ઉભો રહીને વાતચિત કરતો હતો તે સમયે આરતીની માતા આ બંનેને વાતો કરતા જાેઈ જતા તે સીધી ઘરે રવાના થઈ હતી. આરતીની માતા તેના પતિને આ બાબતે જાણ કરશે જેથી આરતીના પરિવારજનો કોઈ ગંભીર પગલા લેશે તેવી જયેશને હત્યા પહેલા જ દહેશત આવી હતી અને તે સીધો ઘરે દોડી ગયો હતો અને તેની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જાે તે ઘરે જવાના બદલે અન્ય સ્થળે જતો રહ્યો હોત તો કદાચ તેનો જીવ બચી ગયો હોત

માતાએ પુત્રને છોડી દેવા કાકલુદીઓ કરી છતાં તેની નજર સામે હત્યા કરી

જયેશના ઢસડીને ઘરમાંથી બહાર કાઢી ચારેય હુમલાખોરોએ તેને લાકડીના ફટકા મારતા તેને બચાવવા માટે તેની માતા તેમજ પિતરાઈબહેન રમીલા અને કાકી મધુબેને હુમલામાં દરમિયાનગીરી કરી હતી પરંતું હુમલાખોરોએ ત્રણેય મહિલાને ધક્કા મારી નીચે પાડી દીધા હતા અને જયેશની ફેંટ પકડી તેઓના ઘર પાસે લઈ ગયા હતા. ત્યારબાદ પણ જયેશની માતા એકલી હુમલાખોરોના ઘર પાસે દોડી ગઈ હતી અને પુત્રને છોડી દેવા માટે હાથ જાેડી આજીજી કરી હતી પરંતું હુમલાખોરોએ માતાની નજર સામે પુત્રને લાકડીના ફટકા મારી ગુપ્તાંગો પર લાતો મારી હત્યા કરી હતી.

બે માસ અગાઉ જયેશને પતાવી દેવાની ધમકી આપેલી બે માસ અગાઉ કાળિદાસે જયેશના ઘરે જઈ તેની માતાને ધમકી આપી હતી કે તમારા પુત્ર જયેશને મારી પુત્રી આરતી સાથે પ્રેમસંબંધ છે, જાે હવે પછી જયેશ મારી પુત્રી સાથે વાતચીત કરતો પણ દેખાયો તો આનું પરિણામ સારુ નહી આવે, આ બાબતે તમારા દિકરાને સમજાવી દેજાે નહીતર તેને જીવતો નહી રહેવા દઈએ. ગઈ કાલે કાળિદાસે જયેશની જાહેરમાં હત્યા કરી ધમકીને સાચી ઠેરવી હતી.