વડોદરા-

પોતાની જીભ લપસવાની આદતના કારણે હર હંમેશા વિવાદમાં રહેલા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પાદરા ખાતે આયોજિત ગરીબ કલ્યાણ અન્ન યોજનાના કાર્યક્રમમાં જીભ લપસી હતી. તેમણે કામ ન કરનારા અધિકારીઓને 14મું રતન બતાવવાની ધમકી આપતા વધુ એક વખત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વિવાદમાં ઘેરાયા હતા. આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાદરા તાલુકાના મતદારોને રીઝવવા માટે મધુ શ્રીવાસ્તવે ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે કામ ન કરનારા અધિકારીઓને 14મું રતન બતાવવાનું કહેતા નવો એક વિવાદ ઉભો થયો છે. આ સિવાય તેમણે મતદારોને આગામી ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવા અને કોઈ પણ કામ પડે તો અડધી રાત્રે પણ સંપર્ક સાધવા જણાવ્યું હતું. રૂપાણી સરકારના સફળ નેતૃત્વના પાંચ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે ચાલી રહેલી ઉજવણીના ભાગરૂપે આજે ત્રીજી ઓગષ્ટે અન્નોત્સવ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. ત્યારે વડોદરાના પાદરા તાલુકામાં ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત યોજવામાં આવેલા કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની જીભ લપસી હતી.