વડોદરા, તા.૧૩

શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી અને કોરોગેટેડ બેક્સ બનાવતી સુમિત પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં પુઠ્ઠા હોવાના કારણે આગે ક્ષણોમાંજ વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયરબ્રિગેડને કરાતા તુરંત જ લાશ્કરો ફાયર ફાઈટરો સાથે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી હાથ ઘરી હતી. આગ ૫ કલાકની ભારે જહેમત બાદ કાબુમાં આવી હતી.સદ્‌નસીબે આગમાં કોઈનો ઈજા કે જાનહાની થઈ ન હતી.

ફા્રયર બ્રિગેડના સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી સુમિત પેકેજીંગ કંપનીમાં પુઠ્ઠા બનાવવાનું કામ કરવામાં આવે છે. કંપની દ્વારા તૈયાર કોરોગેટેડ બોક્સ અને કાચો માલ ગોડાઉનમાં મુકવામાં આવે છે. આ ગોડાઉનમાં મળસ્કે ૪ વાગે આગ લાગી હતી.

આગનો કોલ મળતા મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયર સ્ટેશનનો સ્ટાફ ફાયર ફાઈટરો સાથે દોડી ગયા હતા અને પ્રથમ આગને પ્રસરતા અટકાવવાની કામગીરી શરૂ કરી હતી. ગોડાઉનમાં પુઠ્ઠા હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જાેકે, ફાયરબ્રિગેડના લાશ્કરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરવા દીધી ન હતી. ૫ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આગ કાબુમાં લીઘા બાદ કુલીંગની કામગીરી સાથે ૫ કાલાક સુધી પાણીમારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી છે. ૭થી ૮ જેટલા ફાયર એન્જિનનો ઉપયોગ કરાયો હતો. આગના બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, પુઠ્ઠાનું ગોડાઉન બળીને ખાક થઇ ગયું છે.વહેલી સવારે લાગેલી આગને પગલે નોકરી ધંધાર્થે જનાર કર્મચારીઓ-મજૂરોના ટોળા એકઠા થયા હતા. આગનું લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી, પરંતુ પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળે છે.