ગુજરાતની જેમ ભારતના અનેક રાજ્યોમાં લારી ફૂડની અમુક વાનગીઓ ખુબ જ પ્રખ્યાત હોય છે. એવી જ રીતે કલકત્તામાં કાઠી રોલ પ્રખ્યાત છે. અત્યારે જ નોંધી લો આ રેસિપિ. તેને બનાવવામાં વધારે સમય પણ નહીં લાગે.

સામગ્રી:

ઘઉંનો લોટ - 1 કપ,તેલ - જરૂર પૂરતું,મીઠું - સ્વાદ મુજબ,લીલી ચટણી - અડધો કપ,ચાટ મસાલો - 1 ચમચી.

સ્ટફિંગ માટે :

બાફીને સમારેલા બટાકા - દોઢ કપ,હળદર - ચપટી,મરચું - અડધી ચમચીધાણા પાઉડર - અડધી ચમચી,ગરમ મસાલો - અડધી ચમચી,પાણી - 2 ચમચા,તેલ - 1 ચમચો,જીરું - અડધી ચમચી,સમારેલાં મરચાં - 1 નંગ,સમારેલી કોથમીર - 1 ચમચો,સમારેલો ફુદીનો - 1 ચમચો

સલાડ માટે :

ડુંગળીની સ્લાઇસ - 2 ચમચા,કેપ્સિકમની સ્લાઇસ - 2 ચમચા,ગાજરની ચીરીઓ - 2 ચમચા,સમારેલી કોબીજ - 2 ચમચા

બનાવવાની રીત :

લોટમાં થોડું મીઠું ભેળવી પાણી ઉમેરી કણક બાંધો અને ઢાંકીને 15-20 મિનિટ રહેવા દો.એક બાઉલમાં સલાડ માટેની સામગ્રી મિક્સ કરી તેને ઢાંકીને રહેવા દો. બે અલગ અલગ બાઉલમાં બે ચમચા પાણીમાં બધો પાઉડર મસાલો નાખીને પેસ્ટ તૈયાર કરો.હવે પેનને મધ્યમ આંચે એક ચમચો તેલ ગરમ કરી તેમાં જીરાનો વઘાર કરો. તે પછી સમારેલાં લીલાં મરચાં નાખી સાંતળો.તેમાં તૈયાર મસાલાની પેસ્ટ ભેળવી થોડી વાર સાંતળીને તરત જ સમારેલા બાફેલા બટાકા અને મીઠું નાખી બે-ત્રણ મિનિટ સાંતળો.કોથમીર અને ફુદીનો ઉમેરો. તે પછી તેને આંચ પરથી ઉતારી લઇ ઠંડું થવા દો. કણકને કૂણવી અને લૂઆ લઇ પાતળી રોટલી વણો.તેને બંને બાજુએ તેલ લગાવીને શેકો. હવે રોટલી પર લીલી ચટણી લગાવો. તેની વચ્ચે લંબાઇમાં બટાકાનું સ્ટફિંગ પાથરો અને તેના પર સલાડનું મિશ્રણ ગોઠવો.છેલ્લે ચાટ મસાલો ભભરાવી કાઠી રોલ્સ તૈયાર કરો.