ઇસ્લામાબાદ-

માલદીવે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ભારતનું ખૂબ જ નજીકનું મિત્ર છે. આ વર્ષની શરૂઆતમાં માલદીવે આઈઓસીમાં ભારતનો સાથ આપ્યો હતો. હવે માલદીવે સાર્ક દેશોની બેઠકમાં પાકિસ્તાનના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે. SAARC વિદેશ મંત્રીઓની બેઠકમાં પાકિસ્તાને ફરી એકવાર સાર્ક સમિટ શરૂ કરવાની વાત કરી હતી. આ અંગે માલદીવના હસ્તક્ષેપ બાદ ફરીથી તેના પર રોક લગાવી દેવામાં આવી છે. હકીકતમાં આ સમિટ 2016માં ઇસ્લામાબાદમાં થવાની હતી, પરંતુ ત્યારથી અત્યારસુધી તેના પર રોક લગાવવામાં આવી છે.

માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે કહ્યું કે, આ સમય પાકિસ્તાન SAARC સમિટની યજમાની કરે તેવો નથી. શાહિદે કહ્યું કે હાલ આખી દુનિયા કોરોના સામે જંગ લડી રહી છે. આ સમયે આવી સમિટ વિશે ચર્ચા કરવી યોગ્ય નથી. માલદીવે સાર્ક સમિટ પર સવાલ ઉઠાવ્યા બાદ પાકિસ્તાનની યજમાનીના પ્રસ્તાવ પર સહમતિ બની ન હતી. આથી ફરી એક વખતે પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

મે મહિનામાં સંયુક્ત રાષ્ટ્રમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશન (OIC)ની વચ્ર્યુઅલ મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં પાકિસ્તાને આરોપ લગાવ્યો હતુ કે ભારતમાં ઈસ્લામ ફોબિયા ફેલાવવામાં આવી રહ્યો છે. જે બાદમાં પાકિસ્તાનના આરોપોનો માલદીવે જડબાતોડ જવાબ આપ્યો હતો. માલદીવે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર કેટલાક લોકોની હરકતોને 130 કરોડ ભારતીયોના મત ન સમજી શકાય.