લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, મે 2026 |
3168
કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ પરિણામમાં દીકરીઓએ મેદાન માર્યું છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ધોરણ ૧૦નું કુલ પરિણામ ૯૯.૩૦ ટકા અને ધોરણ ૧૨નું પરિણામ ૯૮.૯૫ ટકા નોંધાયું છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાયેલી આ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓનું પ્રદર્શન ચડિયાતું રહ્યું છે. આંકડાકીય રીતે જાેઈએ તો, વિદ્યાર્થિનીઓનું પરિણામ ૯૯.૪૬ ટકા રહ્યું છે, જેની સામે વિદ્યાર્થીઓનું પરિણામ ૯૮.૯૩ ટકા આવ્યું છે. આ વખતે બોર્ડ દ્વારા ધોરણ ૧૦ની પરીક્ષા કુલ ૬૭ વિષયોમાં લેવામાં આવી હતી. જેમાં ૨૦ ભારતીય અને ૧૪ વિદેશી ભાષાઓનો સમાવેશ થયો હતો. જ્યારે ધોરણ ૧૨ની પરીક્ષા ૪૫ વિષયોમાં લેવાઈ હતી. એક તરફ રાજ્યભરના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે, ત્યારે બીજી તરફ અમદાવાદની વિવાદિત સેવન્થ ડે સ્કૂલના આશરે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ અટવાતા વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જાેવા મળી રહી છે. અગાઉ વિદ્યાર્થીની હત્યાના મામલે ચર્ચામાં આવેલી આ શાળાના સંચાલકોની કથિત બેદરકારીને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ બન્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
શાળાના પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર, બોર્ડના કાઉન્સિલ સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને ટેકનિકલ ક્ષતિને કારણે રિઝલ્ટમાં વિલંબ થયો છે. શાળા દ્વારા વાલીઓને મેસેજ પાઠવી આશ્વાસન આપવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં પરિણામ જાહેર થઈ જશે. જાેકે, અન્ય શાળાઓના પરિણામો સમયસર આવી ગયા હોવાથી સેવન્થ ડે સ્કૂલના વાલીઓમાં સંચાલકો સામે અનેક સવાલો ઊભા થયા છે. બોર્ડ તરફથી પણ આ મામલે ટેકનિકલ ખામી હોવાની પુષ્ટિ કરવામાં આવી હોવાનું શાળાના સત્તાધીશોએ ઉમેરીને જણાવ્યું હતું.