વડોદરા
ગઈકાલે સાંજના સમયે રેલવે સ્ટેશન પાછળ આવેલ ફરામજી કમ્પાઉન્ડ ખાતે આંક ફરકનો જુગાર રમાડી રહેલા એક શખ્સની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી હતી. ૧૭ હજાર જેટલી મત્તા સાથે ઝડપાયેલા આ શખ્સ વિરુદ્ધ પોલીસે જુગાર અટકાયતી અધિનિયમ અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે સાંજના ૬ વાગ્યાની આસપાસ સયાજીગંજ પોલીસમથકના પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, રેલવે સ્ટેશન પાછળ ફરામજી કમ્પાઉન્ડ પાસે સિરાજ નામનો એક શખ્સ આવતા જતા લોકો પાસેથી આંક ફરકના આંકડા લખાવી હારજીતનો જુગાર રમાડે છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી એક ઈસમ મળી આવ્યો હતો. જેનું નામઠામ પૂછતાં પોતે સિરાજ અહમદ ગુલામ મહમ્મદ શેખ(રહે. ભૂતડીઝાંપા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અંગજડતી કરતા તેની પાસેથી આંક ફરકના આંકડા લખેલી ચિઠ્ઠીઓ, પેન અને ૧૭,૦૨૦ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી સિરાજ અહમદ વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમ અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, રેલવે સ્ટેશન વિસ્તારમાં જુગારના અડ્ડા ચલાવતા હોવાનું લોકબૂમ ઉઠી હતી.
Loading ...