તેલંગાણામાં ચારમિનાર એક્સપ્રેસમાં ભીષણ આગ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, એપ્રીલ 2026  |   3564

હૈદરાબાદથી ચેન્નાઈ જઈ રહેલી ચારમીનાર એક્સપ્રેસમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ટ્રેન જ્યારે તેલંગાણાના યાદદ્રી ભુવનગીરી જિલ્લાના અલેર સ્ટેશન નજીક પહોંચી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.

ટ્રેનના જી૫ કોચમાં અચાનક ધુમાડો નીકળતો જાેવા મળ્યો હતો અને જાેતજાેતામાં આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. કોચમાં ધુમાડો ભરાઈ જતાં મુસાફરો ગભરાઈ ગયા હતા. ટ્રેન ઉભી રહે તે પહેલા જ પોતાનો જીવ બચાવવા માટે કેટલાક મુસાફરો ચાલુ ટ્રેને કોચમાંથી બહાર કૂદી પડ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ આગ શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામીને કારણે લાગી હોવાનું મનાય છે, જાેકે રેલવે દ્વારા સત્તાવાર તપાસ બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે. ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવતા મોટી હોનારત ટળી હતી. હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી, પરંતુ અફરાતફરીમાં કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની શક્યતા છે.

ઘટના સ્થળે હાજર મુસાફરોના જણાવ્યા મુજબ, ટ્રેન અલેર સ્ટેશનની નજીક હતી ત્યારે અચાનક કોચમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. મુસાફરોએ તુરંત ચેઈન પુલિંગ કરીને ટ્રેન ઉભી રાખી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ટ્રેનના કોચમાંથી કાળો ધુમાડો અને આગની જ્વાળાઓ નીકળતી સ્પષ્ટ જાેઈ શકાય છે. રેલવે કર્મચારીઓ અને સ્થાનિક રાહત ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution