ગાંધીધામમાં ૧૮૨ કરોડના મસમોટા આંતરરાજ્ય સાયબર ફ્રોડનો પર્દાફાશ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, ફેબ્રુઆરી 2026  |   1881

કચ્છ, કચ્છના ગાંધીધામમાં એક સામાન્ય અરજીની તપાસ દરમિયાન સાયબર પોલીસે ૧૮૨ કરોડ રૂપિયાના મસમોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યાે છે. ભાડે આપેલી દુકાનમાં સોફાનું ભાડું ના ચૂકવાતા, દુકાન માલિકે પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે તપાસ શરૂ થઈ હતી, જે અંતે દેશવ્યાપી સાયબર કૌભાંડ નેટવર્ક સામે આવ્યું! આ કૌભાંડમાં ગરીબ અને અલ્પશિક્ષિત લોકોના દસ્તાવેજાેનો દુરુપયોગ કરી બોગસ પેઢીઓ ઊભી કરવામાં આવી હતી અને તેના નામે કરોડો રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.દુકાન માલિકે પોલીસને જણાવ્યા અનુસાર, તેમણે પોતાની ખાલી દુકાન ભાડે આપવા માટે એક દલાલને ચાવી આપી હતી. દરમિયાન એક મંડપ ડેકોરેટર દ્વારા જાણવા મળ્યું હતું કે, દુકાન ભાડે રાખનાર શખ્સે મંડપ વાળા પાસેથી સોફા સેટ ભાડે લીધા હતા અને તેનું ભાડું ચૂકવ્યું નથી અને ફોન બંધ કરી દીધો છે. દુકાન માલિકે વધુ તપાસ કરતા, દુકાનમાં એક કુરિયર આવ્યું હતું, જેમાં નવા બેંક ખાતાની કિટ હતી. આ બાબતે શંકા જતાં તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.પોલીસે સાહિલ દિનેશભાઈ શર્મા નામના દલાલની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે તેના મિત્ર યશ મૂલચંદભાઈ ભાટીયા (રહે. આદિપુર) ને દુકાનની ચાવી આપી હતી. પોલીસે યશ ભાટીયાના મોબાઈલની તપાસ કરતા વિજય રાણા નામના શખ્સ સાથેની ચેટમાંથી અનેક બેંક ખાતાઓની વિગતો મળી આવી હતી. તપાસમાં ખુલ્યું હતું કે ‘ગ્લોબલ સોલ્ટ’ નામની બોગસ કંપની બનાવી તેના નામે બેંક એકાઉન્ટ ખોલાવાયું હતું.આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર યશ ભાટીયા અને ગાંધીધામના ટેક્સ કન્સલ્ટન્ટ અલ્પેશ સુરેશભાઈ લુહાર સહિત કુલ આઠ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ટોળકી રાપર, આડેસર, માધાપર અને ગાંધીધામ વિસ્તારના ગરીબ લોકોને વિશ્વાસમાં લઈ, તેમના દસ્તાવેજાે મેળવી ઉદ્યમ પોર્ટલ પર ખોટું રજિસ્ટ્રેશન કરાવતી હતી. ત્યારબાદ વિજય રાણા મારફતે વિવિધ ખાનગી બેંકોમાં ૮૧ જેટલા ખાતા ખોલાવવામાં આવ્યા હતા.સાયબર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ૮૧ ખાતાઓમાં કુલ ૧૮૨ કરોડ ૩૭ લાખ ૬૮ હજાર ૮૬૨ રૂપિયા જમા થયા હતા. જે પૈકી ૭૪ બેંક ખાતાઓમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં સાયબર ળોડની ફરિયાદો પણ નોંધાયેલી છે. આ ગેંગ બેંક ખાતા ખોલાવી સાયબર ફ્રોડ કરતી ટોળકીઓને ભાડે આપતી હતી અને તેના બદલામાં કમિશન મેળવતી હતી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution