વડોદરા, તા.૧૮

ડોર ટુ ડોર કચરાના કોન્ટ્રાક્ટમાં ફેરા માર્યા ન હોવા છતાં જંગી રકમ ચૂકવવાની પ્રક્રિયાનો ભાંડો ફૂટતાં આજે પાલિકામાં હડકંપ મચી ગયો હતો. માત્ર પૂર્વ ઝોનમાં એક જ મહિનામાં ૬૭૦૦ પોઈન્ટ ઉપર કચરો ઉપાડવા માટે વાહન નહીં ગયું હોવા છતાં તેની પેનલ્ટી વસૂલવાને બદલે બિલ ચૂકવવામાં આવ્યાના ભાજપાના જ વોર્ડ નં.૧પના કાઉન્સિલર કરતાં મ્યુનિ. કમિશનર પણ ચોંકી ઊઠયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ તો માત્ર પૂર્વ ઝોનની જ સ્ફોટક માહિતી બહાર આવી છે તથા અન્ય ત્રણ ઝોનમાં પણ આવી કરોડોની ગેરરીતિ ચાલતી હોવાની શંકા ઊભી થઈ છે. ઉપરાંત બે દિવસ પૂર્વે ૧૮ મહિનાનો દેખાતો ડેટા પૈકી રજૂઆત બાદ ૧૪ મહિનાનો ડેટા ગાયબ થયાની રજૂઆત પણ તેમણે કરી હતી.

વડોદરા કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોરની આપવામાં આવેલી કામગીરીમાં ગેરરીતિ અને યોગ્ય કામગીરી થતી નહીં હોવાની અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જેના પગલે તમામ વાહનો પર જીપીએસ સિસ્ટમ લગાડી વાહનો નિર્ધારિત રૂટ પર અને સોંપવામાં આવેલ પોઈન્ટ પર જાય છે કે કેમ? તેનું મોનિટરિંગ સિટી કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર ખાતેથી કરી તેના ડે ટુ ડેના ડેટા તૈયાર થાય છે અને જાે કોઈ ગાડી નિર્ધારિત પોઈન્ટ પર ના જાય તો તેને પેનલ્ટી કરવામાં આવે છે.

પરંતુ મોનિટરિંગ છતાં ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટ, સીસીસીના કોન્ટ્રાકટર અને સંબંધિત વોર્ડના અધિકારીઓ મળીને વાહનોએ ફેરા ના માર્યા હોય છતાં પેનલ્ટી કર્યા વગર જંગી બિલો ચૂકવી દેવામાં આવતાં હોવાની તમામ ડેટા સાથે રજૂઆત ભાજપાના વોર્ડ નં.૧પના કાઉન્સિલર આશિષ જાેશીએ મ્યુનિ. કમિશનર સમક્ષ કરી છે. કાઉન્સિલર આશિષ જાેશીએ કહ્યું હતું કે, પૂર્વ ઝોનમાં ડોર ટુ ડોરની ૬પ ગાડીઓ છે અને એક વાહનના સરેરાશ ૭૦ પોઈન્ટ છે. જાે કોઈ ગાડી તે પોઈન્ટ પર ના જાય તો સીસીસીના ડેટામાં તરત દેખાય અને તે મુજબ અંદાજે મિસિંગ પોઈન્ટ દીઠ રૂા.૬૦૦નો દંડ કરવામાં આવે છે. તેમણે પાછલાં ચાર મહિના એટલે કે ફેબ્રુઆરીથી મે મહિના સુધીનો સીસીસીનો ડેટા મેળવ્યો, જેમાં માત્ર મે મહિનામાં પૂર્વ ઝોનમાં ૬૭૦૦ જેટલા પોઈન્ટ મિસિંગ બતાવ્યા છે. ત્યારે આ મિસિંગ પોઈન્ટ મુજબ રૂા.૪૦ લાખની પેનલ્ટી થવી જાેઈએ, પરંતુ વોર્ડ ઓફિસમાં જે રિપોર્ટ તૈયાર થાય છે તેમાં મિસિંગ પોઈન્ટ ઝીરો દર્શાવાય છે.

તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે, મિસિંગ પોઈન્ટની પેનલ્ટી કરવાને બદલે બિલની પૂરેપૂરી રકમ કોન્ટ્‌્રાકટરને ચૂકવી દેવાનું કૌભાંડ ચાલતું હોવાની રજૂઆત મ્યુનિ. કમિશનરને કરી સમગ્ર બાબતની તપાસ કરીને કાર્યવાહી કરવાની માગ કરી છે. આ ઉપરાંત શનિવારે ડોર ટુ ડોરના વાહનોનો સંબંધિત ડેટા જે ૧૮ મહિનાનો દેખાતો હતો જે રજૂઆત બાદ ૧૪ મહિનાનો ડેટા એકાએક ગાયબ થઈ ગયો, ત્યારે ડેટા ગાયબ થયો તે જવાબદારી કોની? તેમ પણ તેમણે કહ્યું હતું.

અન્ય ઝોનમાં પણ આવા જ કૌભાંડની આશંકા

ભાજપાના સભ્યએ પૂર્વ ઝોનમાં માત્ર ચાર મહિનાના મેળવેલા ડેટામાં મોટી ગેરરીતિ પ્રકાશમાં આવી હતી. ત્યારે પાછલાં અનેક વરસોથી ચાલતી ડોર ટુ ડોરની કામગીરીમાં અત્યાર સુધી કરોડોની ગેરરીતિ થઈ હશે તેવી શક્યતા સાથે પૂર્વ ઝોનની સાથે અન્ય ઝોનમાં પણ આવી ગેરરીતિઓ સાથે કૌભાંડની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

દરેક વાહન પર જીપીએસ સિસ્ટમ છતાં ગેરરીતિ?

ડોર ટુ ડોરના દરેક વાહનો પર જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવી છે અને તેનું રૂટવાઈઝ મોનિટરિંગ કરીને ડે ટુ ડેના ડેટા સાથે રિપોર્ટ બનાવવામાં આવે છે તેમ છતાં દરેક રૂટ પોઈન્ટ પર વાહનો જાય છે તેમ દર્શાવી પેનલ્ટી કર્યા વગર બિલો ચૂકવી દેવામાં આવતી હોવાની વિગતો પ્રકાશમાં આવતાં પાલિકાવર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

તપાસ કરીને કાર્યવાહીની મ્યુનિ. કમિશનરની ખાતરી

મ્યુનિ. કમિશનર સમક્ષ ભાજપાના કાઉન્સિલરની તમામ ડેટા સાથે રજૂઆત બાદ મ્યુનિ. કમિશનરે તપાસ કરીને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ઉપરાંત ઓનલાઈન ડેટા જે ગાયબ થયો છે તેવી રજૂઆત છે તે ડેટા જાે નહીં મળે તો આ ડેટા વેલિડ ગણીને કાયદેસર કાર્યવાહી કરવાની ખાતરી મ્યુનિ. કમિશનરે આપી હોવાનું કાઉન્સિલરે જણાવ્યું હતું.