વડોદરા, તા.૨૭

મેયર નિલેશ રાઠોડ, અને આરોગ્ય સમિતીના ચેરમેન ડો. રાજેશ શાહ તેમજ સ્થાયી સમિતીના સભ્ય ડો.શીતલ મીસ્ત્રી ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલની મુલાકાત લેવા પહોંચ્યા હતા. જાેકે, ગોત્રી હોસ્પિટલમાં કોરોનાનો એકપણ કેસ નથી. કોરોના દર્દીઓ માટે ૨૫ જેટલા બેડ અને વેન્ટીલેટર સહિત વ્યવસ્થા અહી હાલ કરવામાં આવી છે.

ગોત્રી હોસ્પિટલમાં મુલાકાત લીધા બાદ સયાજી હોસ્પિટલની પણ મુલાકાત લીઘી હતી. રવિવારે સયાજી હોસ્પિટલમાં કોરોનાના ૧૪ જેટલા પોઝિટીવ કેસ આવ્યા હતા. આ તમામ દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. હાલ તબીબો દ્વારા ગાઇડ લાઇન મુજબજ સારવાર આપવામાં આવી રહી છે.

મેયરે જણાવ્યું હતુ કે, હાલ અહીં કોરોનાનો એક પણ દર્દી જાેવા મળ્યા નથી. કોરોનાને પહોંચી વળવા માટે તંત્રની પૂર્ણ તૈયારી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલમાં કોરોનાની લગતી તમામ દવાઓ, ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. ચિંતાનો કોઇ વિષય નથી. છતાં લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.

તેમણે કહ્યુ હતુ કે,ગોત્રી હોસ્પિટલમાં ૯૦૦ ઓક્સિજન બેડ.૨૯૨ વેન્ટીલેટર,૩૮૮ મલ્ટીપેરા મોનીટર્સ તેમજ સયાજી હોસ્પિટલમાં ૧૦૦ ઓક્સિજન બેડ,૫૮૭ વેન્ટીલેટર વગેરે ઉપલબ્ઘ છે.જ્યારે બન્ને હોસ્પિટલોમાં રોજના કોરોનાના ૧૫૦૦ જેટલા આરટીપીસીઆર થઈ શકે તેવી વ્યવસ્થા હોંવાનુ કહ્યુ હતુ.