ગાંધીનગર-

રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૧૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત આવતીકાલે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. પરંતુ વરસાદ શહેરમાં સતત ખેંચાતો જાય છે. હજી આગામી ચાર પાંચ દિવસ અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતાઓ દેખાતી નથી.

બીજી તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી સતત ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આણંદ,બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૧૧૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો છે.આજે સવારે ૬થી ૮ વાગ્યા સુધીમાં ૨૫ તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં ૧૫ મીમી. નોંધાયો છે. તે સિવાય નવસારીના ચીખલીમાં ૬ મીમી વરસાદ થયો છે. આજે સવારે દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં મહેસાણાના સતલાસણા તાલુકામાં પણ ૨ મીમી વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં અત્યારસુધીમાં ૨૪.૬૪ ટકા વરસાદ થયો છે. ગત વર્ષે ૧૮ જુલાઇ સુધી રાજ્યમાં ૩૬ ટકા વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ ૧૩ ટકા ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં ૩૯ ટકા ની ઘટ છે. રાજ્યમાં ૩૩માંથી ૩૨ જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે. તાપીમાં સરેરાશથી ૭૩ ટકા, ગાંધીનગરમાં ૬૯ ટકા તો દાહોદમાં ૬૧ ટકા વરસાદની ઘટ છે. ૯ જિલ્લાઓમાં વરસાદની ૫૦ ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લાં ૬ વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે.