મહેસાણા-

દૂધ સાગર ડેરીની ચૂંટણી માટે આજે મંગળવારના રોજ વહેલી સવારથી જ ચૂંટણી તંત્ર તૈયારીઓ સાથે સજ્જ બન્યું હતું. જે બાદ 9 કલાકની સાથે જ મતદાન શરૂ થઈ ગયું છે. તંત્રના આયોજન મુજબ શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. અહીં આવતા મતદારો અને ઉમેદવારો સહિતના લોકોને ટેમ્પરેચર ગનથી તપાસ કરી સેનેટાઇઝર કરાવી અને સામાજિક અંતર જાળવવા અપીલ કરતા મતદાન કરવામાં આવી રહ્યું છે.મહેસાણા જિલ્લામાં આજે દૂધ સાગર ડેરીની ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારોએ પણ મતદાન કર્યું છે, તો ભાજપમાંથી આવતા અશોક ચૌધરીએ પુરે પુરી 15 બેઠકો પર 70 થી 75 ટકા મતો સાથે વિજય બનવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે તો તેમની જ પેનલના લક્ષમણ ભાઈ પટેલે વિસનગર બેઠક પરના ઉમેદવાર તરીકે મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.સામન્ય રીતે દૂધ સાગર ડેરીની ચૂંટણી પહેલેથી જ રાજકીય રંગે રંગાઈ છે, ત્યારે આજે જે મતદારોને અજ્ઞાત જગ્યાએ રખાયા હોવાની બાબત ચર્ચાઈ રહી હતી તેમ અશોક ચૌધરીના સમર્થકો અને મતદારો ખાનગી બસમાં બેસી અજ્ઞાત જગ્યાએથી સીધા મતદાન મથકે લાવવામાં આવ્યા હતા. એટલે ચોક્કસથી કહી શકાય કે, ભાજપ જે પ્રકારે રાજકીય ચૂંટણીઓ જીતવા દાવપેચ લગાવે છે તેવા જ દાવપેચ આ દૂધ સાગરની ચૂંટણી જીતવા લગાવી રહ્યું છે.