રાજપીપળા, એક સમયની પ્રતિષ્ઠિત ભરૂચ જિલ્લા આદિવાસી સેવાસંઘ નામની સંસ્થાના સ્થાપક-સંચાલકના નિધન બાદ પોલુ ભાળી ગયેલી સ્થાપિત તત્ત્વોની એક ટોળકીએ સંસ્થા પર ગેરકાયદે કબજાે જમાવી છેલ્લાં ૧પ વર્ષથી વધુના સમય દરમિયાન આચરેલી મનાતી ફોજદારી ગુનાહિત જેવી અનેક આર્થિક અને વહીવટી ગેરરીતિઓ અંગે સુરત સંયુક્ત ચેરિટી કમિશનરમાં મૂળ સંચાલકોના કુટુંબીએ ફરિયાદ કરતાં ઉપરોકત સંસ્થાના તમામ બેન્ક ખાતાઓ તત્કાળ સ્થગિત કરવાનો આદેશ કરાયો હતો. જાે કે, સંયુકક્ત ચેરિટી કમિશનરની કચેરીના કોઈ ‘ફુટેલા’ કર્મચારી અથવા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ બરોડાના કોઈ સ્થાપિત ટોળકીના મળતિયા કર્મચારીએ બેન્ક ખાતાઓ સ્થગિત કરવાનો હુકમ દબાવી રાખ્યો હોવાની આશંકા વચ્ચે આજે એક ચોંકાવનારી માહિતી સપાટી પર આવી છે. જેમાં ઉપરોક્ત સ્થાપિત ટોળકીએ એસબીઆઈના સંસ્થાના ખાતામાંથી લાખો રૂપિયા અન્ય બેન્કમાં ટ્રાન્સફર કરી દીધા છે. એટલું જ નહિ, બેન્ક અધિકારીને આ અંગે પૂછાતાં તેઓ આ બાબતે સ્થાપિત ટોળકીના પક્ષકારની ભૂમિકા ભજવતા હોય એમ કહ્યું કે, હું ગ્રાહકના ખાતાની માહિતી ન આપી શકું. ખેર! લાંબો સમય રાજકારણમાંથી હદ પાર રહ્યા બાદ ફરી એક ઉચ્ચ કોંગ્રેસી નેતા સાથે ‘ગોઠવણ’ દ્વારા પરત સક્રિય રાજકારણમાં પ્રવેશેલા કહેવાતા દિગ્ગજ કોંગ્રેસી નેતા અને તેમના મળતિયાઓએ આ સંસ્થામાં આચરેલી મનાતી ગુનાહિત ગેરરીતિઓ જેવી જ અન્ય અનેક સંસ્થાઓ-યોજનાઓમાં આચરેલી ગેરરીતિઓ આગામી દિવસોમાં રાફડો ફાટી બહાર આવશે એની ઘડીઓ ગણાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત સંયુક્ત ચેરિટી કમિશનરે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘના બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના રાજપીપળા શાખાના બેન્ક એકાઉન્ટ સ્થગિત કરવાનો આદેશ કરતા ખળભળાટ મચ્યો હતો.જાે કે સુરત સંયુક્ત ચેરિટી કમિશનરનો ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘના બેન્ક એકાઉન્ટ સ્થગિત કરવાનો હુકમ છતાં બેંકે એકાઉન્ટ સ્થગિત કરવામાં મોડુ કર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.ત્યારે બેંકની આ નીતિ સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે.આ બાબતે રાજપીપળા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરે સૌરભ શર્માએ જણાવ્યું હતું કે હું મીડિયા સમક્ષ ગ્રાહકની કોઈ પણ માહિતી જાહેર કરી શકતો નથી.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત સંયુક્ત ચેરિટી કમિશનરે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘના ટ્રસ્ટીઓ અને રાજપીપળાની બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘના એકાઉન્ટ સ્થગિત કરવાનો લેખિત હુકમ આર.પી.એ.ડી દ્વારા મોકલાયો હતો.મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘને ૩/૧૧/૨૦૨૧ અને રાજપીપળાની બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને એ ઓર્ડર પોસ્ટ દ્વારા ૬/૧૧/૨૦૨૧ ના રોજ મળી પણ ગયો હતો.તે છતાં બેંકના અધિકારીઓ એવું રટણ કરી રહ્યા હતા કે એકાઉન્ટ સ્થગિત કરવાનો ઓર્ડર અમને મળ્યો જ નથી.એ તમામની વચ્ચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની મોટી રકમ ઉપાડી રાજપીપળાની યુનિયન બેંકમાં ટ્રાન્સફર કરાઈ હોવાની માહિતી મળી રહી છે.જાે બેંક દ્વારા યોગ્ય સમયે એકાઉન્ટ સ્થગિત કરાયા હોત તો રકમ ટ્રાન્સફર થવાના ચાન્સ શક્યતાઓ રહેતી જ નહીં.હવે અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું આ બન્ને બેંકોએ જાણી જાેઈએ એકાઉન્ટ સ્થગિત નહિ કર્યા હોય, ઓર્ડર નહિ મળ્યા હોવાનો માત્ર ડોળ રચતી હશે?જાે કે આ બાબતે ભરૂચ જિલ્લા આદીવાસી સેવા સંઘ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર વિરાજબા જાડેજાએ જણાવ્યું હતું કે હું રાજપીપળાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આ બાબતે તપાસ કરવા ગઈ તો બેંક મેનેજરે મને જણાવ્યું કે હું રજા પર હતો.જ્યારે એમના એક સહ કર્મીએ જણાવ્યું કે ઓર્ડરમાં શુ કહેવા માંગે છે એનો અમને ખ્યાલ ન્હોતો આવતો.બેંકે મારી સાથે વાત થયા બાદ એમના વકીલને બોલાવી તાત્કાલિક અસરથી એકાઉન્ટ સ્થગિત કર્યા હતા.ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘને પણ ૩/૧૧/૨૦૨૧ ના રોજ ઓર્ડર મળી ગયા છતાં એમણે સ્ટેટ બેંકમાં કેમ ચેક નાખ્યા? બન્ને બેંકોએ અને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘે સુરત સંયુક્ત ચેરિટી કમિશનના આદેશની અવગણના કરી છે જેથી એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા હું રજુઆત કરીશ.ભરૂચ જિલ્લા આદીવાસી સેવા સંઘે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી મોટી રકમ ઉપાડી રાજપીપળાની યુનિયન બેંકમાં ટ્રાન્સફર કરી છે.એ એકાઉન્ટ વર્ષોથી બંધ છે તો અચાનક કેમ એ એકાઉન્ટ ફરીથી શરૂ કરવાની જરૂરિયાત ઉભી થઈ હશે?