સાણંદ-બાવળામાં ખાણ ખનિજ વિભાગે કરોડોનો મુદ્દામાલ ઝડપી લીધો : ત્રણ સામે ગુનો નોંધાવ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ફેબ્રુઆરી 2026  |   4851

અમદાવાદ, અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળા તાલુકામાં ગેરકાયદેસર ખનન સામે ખાણ-ખનિજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડા દરમિયાન ૨.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. સાણંદના ઉપરદળ અને બાવળાના નાનોદરા (આંબા તળાવ પાસે) વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી ત્રણ એક્સ્કેવેટર મશીન અને ત્રણ મોટા રેતી ચાળવાના ચારણા જપ્ત કરાયા હતા. ખાણ-ખનિજ વિભાગને આ વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદે રેતી અને માટીનું ખનન ચાલતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે અધિકારીઓની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં ત્રણ સામે ગુનો નોંધાયો. તપાસ દરમિયાન જપ્ત કરાયેલા એક્સ્કેવેટર મશીન વિજય પટેલ, કિશન પટેલ અને ધનજી ચૌહાણની માલિકીના હોવાનું સામે આવ્યું હતું. જપ્ત કરાયેલા મશીનોને તાત્કાલિક ધોરણે નળસરોવર અને કેરાલા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યા. વિભાગ દ્વારા આ મામલે લાખો રૂપિયાના દંડની વસૂલાત કરી હતી.

ધોળકાના કૌકા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કૌકા ગામે ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી કરી. ઓચિંતી તપાસમાં સાદી માટીના ગેરકાયદેસર ખનન અને વહનનું મોટું કૌભાંડ ઝડપાયું હતું. આ ઓપરેશનમાં ગેરકાયદેસર માટીનું ખનન કરતું એક એક્સ્કેવેટર મશીન અને ખનીજનું વહન કરતા બે ડમ્પરો સ્થળ પરથી પકડાયા હતા. અધિકારીઓએ ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહના ગુના હેઠળ ૧.૨૦ કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો. જપ્ત કરાયેલા એક્સ્કેવેટર અને બંને ડમ્પરોનો કબજાે સરોડા ખાતેના ખાનગી સ્ટોકમાં સોંપવામાં આવ્યો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution