લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, એપ્રીલ 2026 |
3564
અમેરિકામાં એચ-૧બી વિઝા પ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવવા માટે એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે ભારતીય આઈટી વ્યાવસાયિકો માટે અત્યંત ચિંતાજનક સાબિત થઈ શકે છે. આ બિલને કુલ સાત સાંસદે ટેકો જાહેર કર્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના સમર્થક રિપબ્લિકન સાંસદોએ અમેરિકી સંસદ (કોંગ્રેસ)માં આ નવું બિલ રજૂ કર્યું છે, જેનો હેતુ આગામી ત્રણ વર્ષ સુધી એચ-૧બી વિઝા આપવાની પ્રક્રિયા પર સંપૂર્ણ ‘ફ્રીઝ’ (પ્રતિબંધ) લાદવાનો છે. આ બિલમાં વિઝાની સંખ્યા ઘટાડવા, લઘુત્તમ પગારનું ધોરણ વધારવા અને પરિવારના સભ્યો (ડિપેન્ડન્ટ્સ)ને સાથે રાખવા પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરવામાં આવી છે. બિલની મુખ્ય જાેગવાઈઓ મુજબ, નવા પ્રસ્તાવ મુજબ, એચ-૧બી વિઝા મેળવવા માટે વિદેશી કામદારનો લઘુત્તમ વાર્ષિક પગાર $2,00,000 (આશરે રૂ.૧.૬૭ કરોડ) હોવો અનિવાર્ય છે. અત્યાર સુધી આ મર્યાદા ઘણી ઓછી હતી. આ નિયમનો હેતુ સસ્તા વિદેશી મજૂરોને બદલે માત્ર ઉચ્ચ કૌશલ્ય ધરાવતા નિષ્ણાતોને જ અમેરિકા લાવવાનો છે.
દર વર્ષે આપવામાં આવતા એચ-૧બી વિઝાના ક્વોટામાં મોટો ઘટાડો કરવાની દરખાસ્ત છે. આનાથી અમેરિકામાં નોકરી મેળવવાની સ્પર્ધા વધુ કપરી બનશે. આ બિલની સૌથી આકરી જાેગવાઈ એ છે કે એચ-૧બી વિઝા ધારકોને તેમના જીવનસાથી અથવા બાળકો (એચ-૪ વિઝા ધારકો)ને સાથે રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આનાથી ભારતીય પરિવારોમાં વિખૂટા પડવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
ભારતીય આઈટી ક્ષેત્ર પર શું અસર થશે?
ભારતની મોટી આઈટી કંપનીઓ જેવી કે ઇન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલ મોટાભાગે મધ્યમ સ્તરના પગાર પર એન્જિનિયરોને અમેરિકા મોકલે છે. ઇં૨,૦૦,૦૦૦ના પગારનો નિયમ લાગુ થવાથી આ કંપનીઓ માટે પ્રોજેક્ટ્સ ચલાવવા આર્થિક રીતે પરવડશે નહીં. આ ઉપરાંત, પરિવારને સાથે ન લઈ જવાની શરતને કારણે ઘણા કુશળ લોકો અમેરિકા જવાનું ટાળી શકે છે. જાે આ બિલ કાયદો બનશે, તો ભારતીય ટેક ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડી શકે છે અને અમેરિકા જવા માંગતા એન્જિનિયરો માટે દરવાજા બંધ થઈ શકે છે.
શું છે આ નવું બિલ?
રિપબ્લિકન સાંસદોનું કહેવું છે કે આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકાના સ્થાનિક કામદારોના હિતોનું રક્ષણ કરવાનો છે. પ્રસ્તાવ મુજબ, એચ-૧બી વિઝા પ્રોગ્રામને ત્રણ વર્ષ માટે સ્થગિત કરવામાં આવશે, જેથી અમેરિકન કંપનીઓ વિદેશી કામદારોને બદલે સ્થાનિક પ્રતિભાઓને નોકરી પર રાખવા માટે મજબૂર થાય. ટ્રમ્પ વહીવટીતંત્રની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.