લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, એપ્રીલ 2026 |
2673
રાજ્યના હવામાનમાં પલટાની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઇ છે. કમોસમી વરસાદથી રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે. જ્યારે હજુ પણ કાળા ડિબાંગ વાદળો જાેવા મળી રહ્યા છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા છવાઇ છે. હવામાન ખાતાની આગાહી વચ્ચે દ્વારકાના વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો છે. વહેલી સવારથી જ સમગ્ર જિલ્લાનું વાતાવરણ વાદળછાયું જાેવા મળ્યું હતું. અચાનક આવેલા વાતાવરણમાં આ પલટાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. તો બીજી તરફ શિયાળુ પાક પણ ખેતરમાં ખુલ્લો પડેલો છે, ત્યારે કમોસમી વરસાદને કારણે રવિ પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. ૩ એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં તેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પલટાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી આજે અને તે પછીના બે દિવસ એમ કુલ ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહીની સાથે ગાજવીજ અને પવનની ગતિ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.