શાસ્ત્રીનગરમાં ડીપીએસ સ્કૂલની બસ નીચે મોપેડ ચાલક કચડાયો : ઘટનાસ્થળે જ મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુલાઈ 2026  |   1881

શુક્રવારે બપોરે ૨:૩૦ વાગ્યાની આસપાસ અમદાવાદના શાસ્ત્રીનગરમાં ટર્ન લઈ રહેલી ડીપીએસ સ્કૂલની બસમાં ઘુસી જતા મોપેડ ચાલક યુવકને ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ડીપીએસ બસના ડ્રાઇવર અને કંડકટર બંને બસ અને બાળકોને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા.પલ્લવ ચાર રસ્તા પાસે બપોરના સમયે બોપલ સ્કૂલનો બસ ચાલક બસને વાળતો હતો અને સ્પીડમાં આવતો મોપેડ ચાલક તેમાં ઘુસી ગયો હતો. જેના કારણે બસની નીચે આવી જતા યુવકનું મોત થયું હતું. ત્યાર બાદ ત્રણ-ચાર ફૂટ લાંબો લોહીનો લિસોટો પડી ગયો હતો. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રભાત ચોકથી શાસ્ત્રીનગર જતા રોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશરે ૧ અઠવાડિયા પહેલા પાઇપલાઇનના કામ માટે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ કામ હજુ સુધી પૂરું ન થતાં ખાડો એમ જ ખુલ્લો રાખવામાં આવ્યો હતો. આજે ત્યાંથી પસાર થઈ રહેલી એક સ્કૂલ બસ આ ખાડાની બાજુમાંથી ડાબી તરફ ટર્ન લઈ રહી હતી. તે સમયે બસની પાછળ આવી રહેલા મોપેડ સવાર યુવરાજે અચાનક શોર્ટ બ્રેક મારવી પડી હતી.

બ્રેક મારતા જ મોપેડ સ્લીપ થઈ ગયું હતું અને યુવક સીધો બસના પાછળના વ્હીલ નીચે આવી ગયો હતો. આ અકસ્માત દિલ્હી પબ્લિક સ્કૂલ  ની બસથી થયો હતો, જેમાં શાળાના બાળકો પણ સવાર હતા. અકસ્માત સર્જાયા બાદ બસચાલક અને કંડક્ટર માનવતા ભૂલીને બાળકો ભરેલી બસને ઘટનાસ્થળે જ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને ફરાર ડ્રાઇવર-કંડક્ટરની શોધખોળ શરૂ કરી છે, જ્યારે તંત્રની આ ઘોર બેદરકારીને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution