મોરબી-

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી રાજ્યમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. મોરબીમાં પણ પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે, જેને ધ્યાનમાં રાખી પોલીસે અહીંના 3 માથાભારે શખ્સની પાસા હેઠળ ધરપકડ કરી છે. પોલીસે 5 શખ્સ સામે પાસા કાર્યવાહી બાદ 3 માથાભારે શખ્સની પણ ધરપકડ કરી છે. આ આરોપીઓ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા.

પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી મોરબી જિલ્લા એસપી એસ. આર. ઓડેદરાની સૂચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબીમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે મોરબી પોલીસ સતર્ક થઈ ગઈ છે. એ ડિવિઝન પીઆઈ બી. જી. સરવૈયા, હળવદ પીઆઈ પી. એ. દેકાવાડિયા દ્વારા ત્રણ પાસા વોરન્ટની બજવણી કરી માથાભારે અને દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સ મયુર અશોકભાઈ બોરાણિયા (હળવદ)ને વડોદરા મધ્યસ્થ જેલ, જિગર ઉર્ફે જિગો જીલુભાઈ ગોગરા (મોરબી બોરિચાવાસ)ને અમદાવાદ મધ્યસ્થ જેલ અને ભરત ઉર્ફે બી. કે. કારૂભાઈ ગોગરા (મોરબી બોરિચાવાસ)ને લાજપોર મધ્યસ્થ જેલ સુરત મોકલવા તજવીજ કરેલ છે.