મોરબી-

જિલ્લામાં ધાણાનું વાવેતર કરનારા ખેડૂતોના ધાણા હાલમાં તૈયાર થઇ ગયા છે અને મોટાભાગના ખેડૂતો તલના વાવેતરની ઉતાવળમાં હાલમાં ભેજવાળા કે અર્ધ સુકાયેલા ધાણા બજારમાં ઠાલવી રહ્યા હોવાથી ખેડૂતોને પૂરતા ભાવ મળતા ન હોવાનું સામે આવ્યું છે કારણ કે હાલમાં સારી ક્વોલિટીના સૂકા ધાણાના ૧૬૦૦ રૂપિયા ઉંચો ભાવ મળી રહ્યો છે અને ભેજવાળા ધાણા ફક્ત ૮૦૦ રૂપિયા પ્રતિમણના ભાવે ખપી રહ્યા છે જેથી એકંદરે ખેડૂતને મોટાપાયે નુકશાન જઈ રહ્યાનું ફલિત થઇ રહ્યું છે.મોરબી જિલ્લાના કૃષિ તજજ્ઞોના મતે હાલમાં જિલ્લામાં ટંકારા, હળવદ,વાંકાનેર અને મોરબી તાલુકામાં ધાણાનું પુષ્કળ વાવેતર થયું છે અને સાનુકૂળ વાતાવરણ રહેતા ધાણાનો પાક પણ સારો ઉતર્યો છે, ધાણાના પાકમાં કાપણી બાદ સામાન્ય રીતે ૨૦ દિવસ કુદરતી વાતવરણમાં સુકાવા દઈ બાદમાં થ્રેસરમાં કાઢવામાં આવતા હોય છે પરંતુ સિંચાઈ સુવિધાવાળા વિસ્તારમાં ખેડૂતો ઉનાળુ તલના વાવેતર કરવાની ઉતાવળમાં ધાણા ઝડપભેર એટલે કે પૂરતા સુકાયા વગર કાઢી બજારમાં ઠાલવી રહ્યા છે પરિણામે ધાણાના યોગ્ય ભાવ મળવાને બદલે ૮૦૦ રૂપિયા જેટલો જ ભાવ મળી રહ્યો છે.આ સંજોગોમાં હળવદ સહિતં અગ્રણી વેપારીઓએ ખેડૂતહિતમાં સલાહ આપતા જણાવ્યું છે કે ખેડૂતો ધાણાના પાકને ઉતાવળે બજારમાં મોકલવાને બદલે પૂરતા પ્રમાણમાં સુકાયા બાદ જ બજારમાં લાવે જો ઉનાળુ પાકના વાવેતરની ચિંતા હોય તો અન્ય જગ્યાએ ધાણા યોગ્ય રીતે સુકાઈ ત્યારબાદ જ યાર્ડમાં મોકલે તો હાલમાં ધાણા ૧૨૦૦ થી ૧૫૦૦ તથા સારી ગુણવત્તા વાળી ધાણીના ૧૬૦૦ જેટલો ઉચો ભાવ મેળવી શકે.દર ૧૦૦ મણ ધાણાએ અંદાજીત ૧૦થી ૧૫ હજારનું નુકશાન ભોગવી રહ્યાનું દર્શાય છે.